Loading Please Wait !!!
રાજકોટ RPF દ્વારા મુસાફરોનો રૂ.3.29 લાખનો સામાન પરત

મે મહિનામાં ૨૯ મુસાફરોને લાખનો ખોવાયેલો સામાન પરત કરી પ્રામાણિકતા દર્શાવી

સિટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મે ૨૦૨૬ દરમિયાન 'સેવા હી સંકલ્પ' અભિયાન અંતર્ગત અત્યંત ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ રેલવે સંપત્તિના રક્ષણ માટે વિવિધ ઓપરેશન ચલાવીને RPF એ પોતાની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતા સાબિત કરી છે.

IG અજય સદાની અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ RPF એ તહેદારી દાખવી છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, 'ઓપરેશન અમાનત' અંતર્ગત વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં ૨૯ મુસાફરોની ભૂલથી છૂટી ગયેલો અંદાજિત ૩,૨૯,૭૪૪ રૂપિયાની કિંમતનો સામાન સુરક્ષિત રીતે રિ કવર કરીને સંબંધિત મુસાફરોને પરત સોંપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, 'ઓપરેશન નન્હે ફરિશ્તે' હેઠળ ૨ બાળકોનું સફળ રેસ્ક્યુ કરી તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. જ્યારે 'ઓપરેશન ડિગ્નિટી' માં વિખૂટા પડેલા ૨ વ્યક્તિઓને શોધી કાઢી પરિવારને સોંપાયા હતા. મુસાફરોના સામાનની ચોરી અટકાવવા 'ઓપરેશન યાત્રી સુરક્ષા' હેઠળ સામાન ચોરીના ૧ કેસમાં ૧ આરોપીની ધરપકડ કરી રેલવે પોલીસ (GRP) ને સોંપાયો હતો. ટિકિટોનું કાળાબજાર રોકવા 'ઓપરેશન ઉપલબ્ધ' અંતર્ગત પણ ૧ શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટ્રેન વ્યવહારને ખોરવતા તત્વો સામે કડક કાર્યવાહી કરતા RPF દ્વારા 'ઓપરેશન સમય પાલન' હેઠળ ગેરકાયદે ચેન પુલિંગના કુલ ૩૨ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં ૨૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ 'ઓપરેશન જનજાગરણ' અંતર્ગત આસપાસના ગામોના સરપંચો સાથે બેઠક કરી માનવ તસ્કરી, ટ્રેનો પર પથ્થરમારો અને મહિલા સુરક્ષા અંગે વ્યાપક જાગૃતિ ફેલાવાઈ હતી. ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ RPF ની આ ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી મુસાફરોની સુરક્ષાને રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી.