Loading Please Wait !!!
રાજકોટના સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ભક્તિભાવપૂર્વક ધ્વજાજી ઉત્સવ ઉજવાયો


» પુરુષોત્તમ માસ નિમિત્તે ધ્વજાજી પૂજન, ફુલેકું અને મહાપ્રસાદ યોજાયા

» પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં હરિભક્તો ભક્તિરસમાં તરબોળ થયા

» આયોજકો અને યજમાન પરિવારોની ભારે જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ૨૪ મે ૨૦૨૬ ના રોજ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભવ્ય 'ધ્વજાજી ઉત્સવ' અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો. શ્રી બાલાજી દાદા અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

પૂજ્ય કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી અને કોઠારી શ્રી રાધારમણદાસજી સ્વામીના દિવ્ય આશીર્વાદ અને સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં આ ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે ૧૦:૦૦ વાગ્યે ધ્વજાજી પૂજા, ૧૧:૦૦ વાગ્યે ભવ્ય ફુલેકું, ૧૧:૧૫ કલાકે મહાઆરતી અને ત્યારબાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધન્ય અવસરે આયોજકો સંદિપ રાયચ્છ, રાજુ ગોકાણી, નિખીલ સોની, અમીત પાઉં અને ધવલ રાણપરા સહિત યજમાન પરિવારો અને અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરી તેને સફળ બનાવ્યો હતો. ધાર્મિક મહોત્સવને લઈને મંદિરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.