Loading Please Wait !!!
રાજકોટમાં ટેન્કરનો પાઈપ તૂટતા 100 લીટર ડીઝલ રસ્તા પર ઢોળાયું

  • ફાયરે ત્વરિત કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી
  • માલવિયા પોલીસ સ્ટેશનથી મવડી ચોકડી સુધી રેલમછેલ

સિટી ન્યૂઝ@રાજકોટ

દેશભરમાં એકતરફ ડીઝલની અછત છે, તો બીજીતરફ રાજકોટમાં ૧૦૦ લીટર ડીઝલ રસ્તા પર ઢોળાયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના માલવિયા પોલીસ મથક નજીકથી પસાર થઈને મવડી ચોકડી તરફ જઈ રહેલા ટેન્કરમાં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ હતી. જેને લઈને રસ્તા પર થઈ રહેલા એક ટેન્કરની ડીઝલ પાઈપ લાઈન અચાનક વચ્ચેથી તૂટી ગઈ હતી. જેને લઈને ટાંકીમાં રહેલું અંદાજીત ૧૦૦ લીટર જેટલો ડીઝલનો મોટો જથ્થો માર્ગ પર ઢોળાઈ ગયો હતો. જેને પગલે ત્યાંથી પસાર થતા વાહનોમાં અકસ્માતનો ભય ઉભો થયો હતો. જોકે આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ દોડી ગઈ હતી. અને પ્રથમ પાણીનો મારો ચલાવ્યા બાદ રસ્તા પર રેતી વેરી રસ્તાને સુરક્ષિત બનાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવ ગત મોડીરાત્રે બન્યો હતો. ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે ૧૨:૩૦ આસપાસ આ અંગેની જાણ થઈ હતી.

ડીઝલ ઢોળાયા અંગેની ચોક્કસ માહિતી આપનાર જાગૃત વ્યક્તિનું નામ હરેન્દ્ર લાલજી નરેન્દ્ર લાલજી સ્ટાફમેન હોવાનું સામે આવ્યું છે. તેઓ મવડી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. કંટ્રોલ રૂમ પરથી સંદેશો મળતાની સાથે જ ફાયર સ્ટેશનના વાહન નંબર ૨૬૨૪ મીની કો.કો. (મીની ફોમ ટેન્ડર)ને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું. બનાવ સ્થળે પહોંચીને સ્ટાફે જોયું તો માલવિયા પોલીસ મથકથી લઈને વિશ્વેશ્વર મહાદેવ મંદિર અને મવડી ચોકડી સુધીના સમગ્ર રોડ પર ઓઈલ અને ડીઝલની મોટી લકીરો દેખાતી હતી અને આખો રસ્તો ચીકણો થઈ ગયો હતો. ફાયર સ્ટાફે કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે ત્વરિત નિર્ણય લીધો હતો. સ્ટાફ દ્વારા તાત્કાલિક આ આખા પ્રવાહી વાળા રોડને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રસ્તા પરની ચીકાશ દૂર કરવા માટે ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત ઉઠાવીને સમગ્ર રોડ પર પ્રથમ પાણીનો છંટકાવ કર્યા બાદ મોટા પ્રમાણમાં રેતી વેરવામાં આવી હતી.