રાજુલાના ચાંચબંદર-વિક્ટર પુલના નિર્માણમાં ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ
» દરિયાઈ ખારાશ વચ્ચે નબળું મટીરીયલ ભવિષ્યમાં મોટા અકસ્માતને નોતરી શકે તેવી ભીતિ
» એડવોકેટ રણજીત ગુજરીયાએ CMને પત્ર લખી તટસ્થ તપાસની માંગ કરી
» યોગ્ય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુલનું બાંધકામ અટકાવવા રજૂઆત
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલા ચાંચબંદર અને વિક્ટર પોર્ટને જોડતા દરિયાઈ ખાડી પરના ૮૫ કરોડના ખર્ચે બની રહેલા પુલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી થતી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રણજીત ગુજરીયાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી છે.
સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખીને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના આગેવાનોની રજૂઆતોના પગલે રાજ્ય સરકાર દ્વારા આ ખાડી પર ૮૫ કરોડના ખર્ચે પુલ મંજૂર કરવામાં આવ્યો હતો. થોડા મહિનાઓ પહેલા જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે આ નવનિર્મિત પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હાલમાં તેની કામગીરી પ્રગતિ હેઠળ છે.
મુખ્યમંત્રીને કરાયેલી લેખિત રજૂઆતમાં એડવોકેટ રણજીત ગુજરીયાએ જણાવ્યું છે કે, ચાંચબંદર અને વિક્ટરની ખાડી ઉપર બની રહેલા આ પુલની કામગીરી અત્યંત બોગસ અને હલકી ગુણવત્તાવાળી થઈ રહી છે. પુલના નિર્માણમાં વપરાતું લોખંડ તેમજ અન્ય મટીરીયલ પૂરતા પ્રમાણમાં અને જરૂરી ગુણવત્તાનું વાપરવામાં આવી રહ્યું નથી. દરિયાઈ વિસ્તાર હોવાથી અહીં મજબૂત બાંધકામ અનિવાર્ય છે. છતાંપણ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. તેમણે લોકહિતમાં માંગ કરી છે કે, આ પુલની કામગીરીમાં થઈ રહેલી ક્ષતિઓ અંગે સત્વરે ઉચ્ચ સ્તરીય અને યોગ્ય તપાસ કરવામાં આવે. આ સાથે જ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુલનું બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.