રાજુલામાં શ્રી બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા આવતીકાલે રક્તદાન કેમ્પ
» લોહાણા મહાજન વાડી ખાતે ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે થશે ઉદ્ઘાટન
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર 'શ્રી બાપા સીતારામ સેવા સમિતિ' દ્વારા એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ આવતીકાલે શનિવાર, ૩૦ મે ૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યાથી રાત્રે ૭:૦૦ વાગ્યા સુધી રાજુલા બસ સ્ટેશનની સામે આવેલી લોહાણા મહાજન વાડી (એસી હોલ) ખાતે યોજાશે. આ સેવા યજ્ઞને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. આ કેમ્પમાં રક્ત એકત્રિત કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના નિષ્ણાત તબીબોની ટીમ ખાસ ઉપસ્થિત રહીને પોતાનો સહયોગ આપશે. ઉનાળાની ઋતુમાં લોહીની અછત ન સર્જાય તેવા ઉમદા હેતુથી આયોજિત આ કેમ્પને સફળ બનાવવા માટે આયોજક સાગર સરવૈયા અને તેમની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આ બ્લડ ડોનેશન કેમ્પના ભગીરથ અને પવિત્ર કાર્યમાં મોટી સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા માટે લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે.