રામપરા ગામમાં સિંહોના આંટાફેરા લોકોમાં ભય
=> અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના
=> સરપંચે વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-૨ ગામમાં છેલ્લા ૨૦ દિવસથી સિંહોની સતત અવરજવરને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહો દ્વારા ગામમાં અવારનવાર પશુઓનું મારણ કરવામાં આવી રહ્યું હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે રામપરા ગામના સરપંચ સનાભાઈ વાઘ દ્વારા રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. સરપંચના જણાવ્યા અનુસાર, વનવિભાગ દ્વારા છેલ્લા ૨૦ દિવસથી સ્થાનિક ગ્રામ સેવકો (ટ્રેકર્સ)ને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ગામમાં સિંહોની અવરજવર પર નજર રાખવાનું વ્યવસ્થાપન ખોરવાઈ ગયું છે. જ્યારે આ ગ્રામ સેવકો ફરજ પર હતા ત્યારે તેઓ સિંહોની હિલચાલ પર સતત નજર રાખતા હતા અને ગ્રામજનોને સાવચેત કરતા હતા. સરપંચ સનાભાઈ વાઘે વનમંત્રી સમક્ષ માંગ કરી છે કે વનવિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે છૂટા કરાયેલા ગ્રામ સેવકોને ફરીથી ફરજ પર પરત લેવામાં આવે જેથી ગામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે છે.
આર.એફ.ઓ ડી.કે. મકવાણાએ જણાવ્યું કે, ધોરવે પર ટ્રેકરોની ખાસ જરૂરિયાત હતી, આથી બે ટ્રેકરોની ડ્યુટી ધોરવે પર બદલવામાં આવી હતી. રામપરા ગામના ગ્રામસેવકો ધોરવે પર ડ્યુટી માટે આવી શક્યા નહોતા જેથી તેઓ પોતાની મેળે સ્વેચ્છાએ છૂટા થયા છે. વનવિભાગે તેમને છૂટા કર્યા નથી. રામપરા ગામમાં દેખરેખ માટે હાલ બે વનવિભાગના બે ટ્રેકરો કાર્યરત છે તેઓને ફરજ તરીકે ગામની વધારાની ડ્યુટી આપવામાં આવી છે. જેમાં રામપરાના રેવન્યુ વિસ્તારના બે ટ્રેકરોને પોતાની રેવન્યુ ડ્યુટી સાથે જ ઉપરાંત ગ્રામ સેવકોની પણ વધારાની ડ્યુટી આપી છે. વનવિભાગ સ્ટાફ દ્વારા સિંહોની અવરજવર પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.