Loading Please Wait !!!
રતનપરમાં મકાનમાં ઘુસી તસ્કરો 2 લાખની ચોરી

» મહિલા સભ્ય જાગી જતા ચોર દીવાલ ઠેકીને ભાગી ગયો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના ગોંડલ રોડ પર ખોડીયારનગરમાં રહેતા અને હાલ રતનપર ગામમાં રહેવા ગયેલા નાગજીભાઈ નથુભાઈ બાવડા ઉ.૩૨એ ચોરી અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ માલ ઢોરનો વ્યવસાય કરતા હોય જેથી શહેરમાં રહેવામાં તકલીફ પડતી હોવાથી છેલ્લા છ મહિનાથી પરિવાર સાથે રતનપર રહેવા ગયા છે. ગઈ તા.૧૦ ના તેના મોટાભાઈ હેમુભાઈ જે રાજકોટ રહેતા હોય ત્યાં ગયો હતો અને રાત્રે ત્યાં જ રોકાવાનું હતું. દરમિયાન રાત્રીના સાડા ત્રણેક વાગ્યા આસપાસ નાનાભાઈ કમલેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા ઘરે રાત્રિના ચોરી થઈ છે. તું ઘરે આવી જા જેથી યુવાન તાકીદે રતનપર પહોંચ્યો હતો યુવાને તેના માતા અમુબેન કહ્યું હતું કે, અમે બધા રાત્રિના એકાદ વાગ્યા સુધી જાગતા હતા બાદમાં સૂઈ ગયા હતા તારા પિતા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં સૂતા હતા તથા તારો નાનો ભાઈ કમલેશ અને તેની પત્ની મિતલ રૂમમાં સૂતા હતા હું તથા મારા કાકી નાનૂબેન બંને ઓસરીમાં સૂતા હતા.

દરમિયાન રાત્રીના ઘરમાં કંઈ અવાજ આવતા હું જાગી ગઈ હતી અને મેં આપણા ઘરેથી એક શખ્સને ભાગીને જતો જોયો હતો જેથી મને શંકા ગઈકે આ શખ્સ ચોર હશે જેથી રાડા૨ાડી કરતા તે ઘરની દિવાલ કૂદી ભાગી ગયો હતો. ત્યારબાદ તારા પિતા પણ જાગી ગયા હતા પરંતુ એટલીવારમાં આ શખ્સ અહીંથી ભાગી ગયો હતો. કમલેશ રૂમની બહાર આવતો ન હોય જેથી જઈ જોતાં તેના રૂમનો દરવાજો બહારથી બંધ હતો જે દરવાજો ખોલ્યો હતો બાદમાં ઘરમાં તપાસ કરતા કબાટ ખુલ્લો હોય જેમાં રૂપિયા તથા ઘરેણા રાખ્યા હતા તે કબાટનું ખાનું પણ ખુલ્લુ હતું. જેથી તપાસ કરતા ખાનામાં રાખેલ રૂપિયા બે લાખ રોકડ એક સોનાનો દાણો એક સોનાનો ઓમકાર અને મોબાઇલ સહિત કુલ ૨,૦૮,૫૦૦ ની મત્તા ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું બાદમાં આ બાબતે ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.