મુંબઈના વેપારીની 60 લાખના ચેક રિટર્ન કેસમાં અપીલ નામંજૂર
» ૬૦ લાખના ૩ ચેક રિટર્ન થતા મુંબઈના વેપારીને નીચલી અદાલતે ૧ વર્ષની સજા ફટકારી હતી
» સજાના હુકમ સામે ૩૮ માસના લાંબા વિલંબથી કરાયેલી અપીલ સેશન્સ કોર્ટે આખરે ફગાવી દીધી
સિટી ન્યૂઝ@રાજકોટ
વેપાર-ઉદ્યોગમાં ચેક રિટર્નના કેસોમાં વ્યાયિક પ્રક્રિયા કેટલી કડક બની શકે છે, તેનો વધુ એક દાખલો રાજકોટમાં સામે આવ્યો છે. ગોંડલના ભુણાવા ગામે 'શ્રી રામદેવ કોટન જીનીંગ' નામે ધંધો કરતા સંજય કપુરીયાએ મુંબઈની ગ્લોબલ કોટન કોર્પોરેશનના જીતેશ ગજેરીયા વિરુદ્ધ ૬૦ લાખના ચેક રિટર્નની ૩ અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. આ કેસમાં નીચલી અદાલતે ગુનો સાબિત માનીને આરોપીને ૧ વર્ષની સજા ફટકારી હતી. આ સજાના આદેશ સામે કાયદાકીય સમયમર્યાદા વીતી ગયાના ૩૮ માસ બાદ સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. આટલા મોટા વિલંબ (ડીલે) ને માફ કરવાની આરોપીની અરજીને રાજકોટના એડિશનલ સેશન્સ જજે પાયાવિહોણી ગણીને નામંજૂર કરી છે, જે દર્શાવે છે કે અદાલતો હવે સમયમર્યાદાના પાલન બાબતે ખૂબ જ ગંભીર છે.
આ કેસની વિગતવાર હકીકત એવી છે કે, ફરિયાદી સંજય કપુરીયા પાસેથી મુંબઈના આરોપી જીતેશ ગજેરીયાએ પોતાના વ્યવસાય માટે રૂપિયા ૧,૯૬,૮૫,૯૩૩ ની કિંમતની કપાસની ગાસડીઓ મોટા પાયે ખરીદી હતી. આ મોટા આર્થિક વ્યવહાર પેટે બાકી નીકળતી રકમ રૂપિયા ૭૪,૪૩,૭૯૪ માંથી પાર્ટ પેમેન્ટ (આંશિક ચુકવણી) તરીકે આરોપીએ ફરિયાદીને ૨૫ લાખ, ૨૫ લાખ અને ૧૦ લાખના એમ મળીને કુલ ૬૦ લાખના ૩ અલગ-અલગ ચેક આપ્યા હતા. આપેલા વચન અને વિશ્વાસ મુજબ આ ચેક બેંકમાં પાસ થવાના બદલે પરત ફરતા (રિટર્ન થતા) આરોપી વિરુદ્ધ રાજકોટની અદાલતમાં ૩ ફરિયાદી દાખલ કરવામાં આવી હતી. તમામ દસ્તાવેજો અને પુરાવાઓ ચકાસ્યા બાદ નીચલી અદાલતે આરોપીને ૧ વર્ષની કેદની સજા ફટકારી હતી અને સાથે જ ૬૦ લાખ રૂપિયા ૨ માસની સમયમર્યાદામાં વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા કડક આદેશ કર્યો હતો. જો આ વળતરની રકમ ચૂકવવામાં કસૂર થાય તો વધુ ૬ માસની સજા ભોગવવાનો પણ હુકમ ફરમાવાયો હતો.
નીચલી અદાલત આ જાના હુકમ સામે આરોપીએ જાગવામાં ખૂબ મોડું કર્યું હતું અને ૩૮ માસના ભારે વિલંબ બાદ સેશન્સ અદાલતમાં અપીલ કરીને ડીલે માફ કરવા અરજી ગુજારી હતી. આ અરજીનો સખત વિરોધ કરતા ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી હતી કે, કાયદા મુજબ ડીલે અરજીમાં વિલંબનું ‘ડે-ટુ-ડે’ (રોજેરોજનું) સચોટ કારણ દર્શાવવું ફરજિયાત છે, જે આરોપીએ દર્શાવ્યું નથી. વધુમાં જણાવ્યું હતું કે, આરોપીનો ગુનાહિત ભૂતકાળ છે અને તેની સામે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ કરોડો રૂપિયાની ઠગાઈના અનેક કેસો નોંધાયેલા છે. અગાઉ જ્યારે આરોપી અન્ય ગુનામાં અમરેલી જેલમાં બંધ હતો, ત્યારે તે પોતાના વકીલ સાથે આ કેસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થયો હતો, તેથી તેને કેસની કાર્યવાહીની સંપૂર્ણ જાણકારી હતી જ. આમ છતાં, જેલમાંથી છૂટ્યા બાદ પણ તેણે ન્યાયિક પ્રક્રિયાની કોઈ જ દરકાર કરી ન હતી અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.
બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ અને રેકોર્ડ પરના પુરાવા ધ્યાને લઈને સેશન્સ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, કોઈપણ આરોપી પાસે અપીલ કરવાનો મૂળભૂત અધિકાર ચોક્કસ છે, પરંતુ કાયદો જાગૃત વ્યક્તિની જ મદદ કરે છે. આરોપીએ પોતાના બચાવના અધિકારનો સમયસર ઉપયોગ ન કરતા નીચલી કોર્ટમાં ટ્રાયલ એકતરફી ચાલી હતી. આરોપી દ્વારા ૩ વર્ષ, ૧ મહિનો અને ૧૯ દિવસ જેટલા લાંબા વિલંબ માટે માત્ર ગરીબી, મજૂરી કે નાણાકીય મુશ્કેલીઓ જેવા સામાન્ય અને અસ્પષ્ટ કારણો રજૂ કરવામાં આવ્યા હતા, જે વ્યાપારી લેવડદેવડના આટલા મોટા કેસમાં કાયદાની દ્રષ્ટિએ ગ્રાહ્ય રાખી શકાય નહીં. વિલંબ માટે કોઈ વાસ્તવિક, મજબૂત કે સંતોષકારક પુરાવા ન હોવાથી અદાલતે ડીલે માફીની અરજી નામંજૂર કરી હતી અને તેને પગલે આરોપીની ત્રણેય અપીલો આપોઆપ ફગાવી દેવામાં આવી છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા અને તેમની ટીમ રોકાઈ હતી.