રિબન કાપવાની રાહમાં એક મહિનાથી અંધારૂ; લોક ત્રસ્ત
=> વોર્ડ નં. 12માં વાવડી ગામ ગેટથી પુનિતનગર 150 ફૂટ રિંગરોડ સુધી અંધારૂ
=> 8 દિવસનું પ્રજાનું અલ્ટિમેટમ નહીં તો જોવા જેવી
=> મનપાએ હંમેશા લોકોની સુખાકારી વિચારવાની હોય પણ લોકોને વધુ મુશ્કેલ કેમ પડે તે ઘાટ ચાલી રહ્યો છે
સિટી ન્યૂઝ@રાજકોટ
વોર્ડ નં. ૧૨ના વાવડી ગામ ગેટથી પુનિતનગર ૧૫૦ ફૂટ રિંગ રોડ સુધીની સેન્ટર લાઈટ છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. માહિતી મુજબ, લાઈટ અંગે ઘણી વખત ફરિયાદો કરવામાં આવી છે અને ટેસ્ટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, છતાં માત્ર લોકાર્પણ માટે રિબન કાપવાનું બાકી હોવાથી લાઈટ શરૂ કરવામાં આવી નથી. આ માર્ગ પર રોજ હજારો લોકોની અવરજવર રહેતી હોવા છતાં અંધારાના કારણે અકસ્માતની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક રહેવાસીઓ અને આજુબાજુની સોસાયટીના આગેવાનોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે જો આગામી ૮ દિવસમાં લાઈટ ચાલુ કરવામાં નહીં આવે, તો તેઓ જાતે જ લાઈટનો ઘોડો (સ્વિચ) ચાલુ કરી દેશે. આ મુદ્દે મનપા તંત્ર સામે સવાલો ઊભા થયા છે કે ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ પણ લોકોની સુવિધા માટે લાઈટ શરૂ કરવામાં શા માટે વિલંબ થઈ રહ્યો છે.