એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનાર કરદાતાઓ અપાતા ફ્રી ડસ્ટબિનનો સ્ટોક ખાલી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે એડવાન્સ પ્રોપર્ટીટેક્સ ભરતા કરદાતાઓને પ્રોત્સાહક યોજના અંતર્ગત વિનામૂલ્યે ડસ્ટબિન સેટ આપવામાં આવે છે. પરંતુ હાલમાં તમામ વોર્ડ ઓફિસોમાં આ ડસ્ટબિનનો સ્ટોક પૂરો થઈ ગયો હોવાથી કરદાતાઓને થોડો સમય રાહ જોવી પડશે. સ્વચ્છ અને હરિત રાજકોટના નિર્માણ માટે નાગરિકો ભીના અને સૂકા કચરાનું સ્ત્રોત જ વિભાજન કરી શકે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા લીલા અને વાદળી રંગના ડસ્ટબિન સેટનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકોનો ધસારો હોવાથી વિવિધ વોર્ડ ઓફિસોમાં ડસ્ટબિન સેટનો ઉપલબ્ધ સ્ટોક સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે, જેથી તાત્કાલિક વિતરણ શક્ય નથી.
પર્યાવરણ ઈજનેરની સત્તાવાર યાદી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા ડસ્ટબિન સેટની ખરીદી અને પુરવઠાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંદાજે ૧.૫ માસ બાદ નવા ડસ્ટબિન ઉપલબ્ધ થતાં જ તમામ સંબંધિત વોર્ડ ઓફિસો ખાતેથી ફરીથી વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકો અને કરદાતાઓને વિનંતી કરી છે કે, જ્યાં સુધી ડસ્ટબિનનો નવો સ્ટોક ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ધીરજ રાખીને તંત્રને સહકાર આપે. નવો સ્ટોક આવતાં જ પાત્રતા ધરાવતા કરદાતાઓને નિયમ મુજબ ડસ્ટબિન સેટ આપી દેવામાં આવશે.