સાંઢિયા પુલની ગંભીર ક્ષતિ બદલ કોંગ્રેસની આકરી રજૂઆત
» જવાબદાર સિટી ઇજનેર અને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા ઉગ્ર માંગ
» એજન્સી સાથેની મિલીભગતથી કરોડો રૂપિયા વધુ ચૂકવાયાનો કોંગ્રેસનો આક્ષેપ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના જામનગર રોડને જોડતા સાંઢિયા પુલના વિસ્તૃતિકરણમાં થયેલી ગંભીર ટેકનિકલ બેદરકારી અને ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પૂર્વ શહેર પ્રમુખ અતુલ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને ખર્ચ તેમની પાસેથી જ વસૂલવા ઉગ્ર માંગ ઉઠાવી છે. કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં આક્રોશ સાથે જણાવાયું છે કે, ૭૪ કરોડોના માતબર ખર્ચે બનતા આ પુલમાં મનપાના જવાબદાર ઇજનેરો પાણીના નિકાલની પાઇપલાઇન મૂકવાનું જ ભૂલી ગયા છે. આખો પુલ તૈયાર થયા બાદ આ ગંભીર બેદરકારી સામે આવતા તંત્રની ભારે ફજેતી થઈ છે. કોંગ્રેસે માંગ કરી છે કે આવા બેજવાબદાર અધિકારીઓ પાસેથી જ પુલ પાછળ થયેલો કરોડોનો ખર્ચ વસૂલ કરવો જોઈએ.
કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે, પ્રથમ સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થવા છતાં મનપાના ઇજનેરો અને પૂર્વ પદાધિકારીઓએ એજન્સી સાથે મિલીભગત કરી કરોડો રૂપિયા વધુ ચૂકવી દીધા છે. ૨ વર્ષ વીતી જવા છતાં અને ભયંકર ટ્રાફિક સમસ્યાઓ વચ્ચે ભાજપ શાસકો માત્ર ઉદ્ઘાટનના તાયફામાં વ્યસ્ત છે. ગંભીર ક્ષતિઓ બહાર આવ્યા છતાં સત્તાધીશો મૌન સેવી રહ્યા છે. આ કામમાં આચરેલા ભ્રષ્ટાચાર, લાપરવાહી અને ફરજમાં બેદરકારીની વિગતો જગજાહેર છે. ત્યારે સત્તાધીશો દ્વારા ઢાંકપિછોડો કરવાના બદલે આ એજન્સી અને તેની સાથે સંકળાયેલા તમામ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક શિક્ષાત્મક પગલાં ભરવા કોંગ્રેસ આગેવાનોએ મક્કમ માંગણી કરી છે.