શાક બાબતે દારૂડિયા પતિના ત્રાસથી પત્નીનો આપઘાત પ્રયાસ
» દારૂ પીને આવેલા પતિએ ગળું દબાવી પત્નીનું માથું લાદીમાં માર્યું; 13 વર્ષના પુત્રને પણ ફટકાર્યો
» પૂછ્યા વગર ભીંડાનું શાક કેમ બનાવ્યું તેમ કહી ઝઘડો કર્યો, પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના ખોખડદળ ગામે રહેતી પરિણીતાએ આટકોટ પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. રસોઈ બાબતે મેણાટોણા મારી, ગાળો આપીને દારૂડિયા પતિએ પત્ની અને પુત્રને ઢોર માર માર્યો હતો. પતિ દ્વારા સતત અપાતા આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.
હાલ ખોખડદળ ગામે માવતરના ઘરે રહેતી લલિતા ઉર્ફે લતાએ મોટા દડવા ગામે બળધોઇ દરવાજા પાસે રહેતા પોતાના પતિ જગદીશ માવજી પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લલિતાના લગ્ન ૧૪ વર્ષ પહેલા જગદીશ સાથે થયા હતા અને તેમને સંતાનમાં ૧૩ વર્ષનો પુત્ર આયુષ છે. ૨૩ મે ના રોજ સવારે લલિતા સરપંચની વાડીએ મજૂરી કામે ગઈ હતી. પતિ જગદીશ શાકભાજીમાં ભીંડો લાવ્યો હોવાથી લલિતાએ પૂછ્યા વગર તેનું શાક બનાવ્યું હતું. બપોરે દોઢ વાગ્યે ઘરે આવેલા જગદીશે પૂછ્યા વગર શાક કેમ બનાવ્યું તેમ કહીને ગાળાગાળી કરી હતી. પત્ની પાસે ફોન ન હોવાથી પૂછ્યું ન હોવાની સ્પષ્ટતા કરવા છતાં તે ઉશ્કેરાયો હતો. લલિતાએ તરત જ બીજું શાક બનાવી દીધું હતું છતાં તે જમ્યા વગર સૂઈ ગયો હતો. સાંજે ગામમાં ગયા બાદ જગદીશ રાત્રે ૮ વાગ્યે દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો. સાસુ હંસાએ બટાકાનું શાક બનાવ્યું હતું, જે જમવા આપતા જગદીશે શાક પાણી જેવું બનાવ્યું છે,
જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહીને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. લલિતાએ ગાળો બોલવાની ના પાડતા જગદીશે તેની ગરદન પકડી નીચે લાદીમાં તેનું માથું ભટકાવ્યું હતું. વચ્ચે પડેલા ૧૩ વર્ષના પુત્ર આયુષને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો થતાં પુત્ર આયુષે દડવા ગામે રહેતી ફઈ રંજન અને ફુવા ધનજીને બોલાવી લાવતા તેમણે લલિતાને વધુ મારમાથી બચાવી હતી.લલિતાની ફરિયાદ મુજબ, જગદીશને દારૂની કૂટેવ છે અને તે અવારનવાર રસોઈ બાબતે ત્રાસ આપતો હતો. આ ઉપરાંત તે લલિતાના ચારિત્ર્ય પર શંકા કરી ગમે તેની સાથે નામ જોડતો હતો. ૧૪ વર્ષના લગ્ન જીવનમાં લલિતા ૪ વખત માવતરના ઘરે રિસામણે ગઈ હતી. છેલ્લી વાર તે ૫ વર્ષ માવતર રહી હતી અને ૫ મહિના પૂર્વે જ સરપંચ તથા આગેવાનોની સમજાવટથી સાસરે પરત ફરી હતી. પરંતુ પતિનો ત્રાસ યથાવત રહેતા કંટાળીને લલિતાએ ૨૪ મે ના રોજ સવારે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આટકોટ પોલીસે લલિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.