Loading Please Wait !!!
સનાતન સેતુ હનુમંત કથા આવતીકાલે કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

=> રેસકોર્સ મેદાનમાં 5 થી 7 જૂન સુધી સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન

=>રમેશ પારેખ રંગદર્શન ખાતે રવિવારે સાંજે 7 કલાકે સંતોના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાશે

=>કથાને સફળ બનાવવા 30 થી વધુ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સ્વયંસેવકો મેદાને

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને જાગૃતિ માટે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આગામી 5, 6 અને 7 જૂન 2026 ના રોજ 3 દિવસીય ઐતિહાસિક 'સનાતન સેતુ હનુમંત કથા' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ મેદાન ખાતે દરરોજ રાત્રે 7 થી 11 વાગ્યા સુધી યોજાનારા આ વિશાળ ધાર્મિક મહોત્સવની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આવતીકાલે 24 મે 2026, રવિવારના રોજ સાંજે 7 વાગ્યે રમેશ પારેખ રંગદર્શન ખાતે કથાના કાર્યાલયનું સંતો-મહંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

આવતીકાલે યોજાનાર કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં રામ લખન આશ્રમ (માધાપર ચોકડી) ના રાઘવદાસજી, અલખના ઓટલા (ન્યારા ખંભાળા) ના 1008 મહામંડલેશ્વર કૈલાસ આનંદગીરી, ઇસ્કોન મંદિરના સેક્રેટરી અનિકેત દાસજી, રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત અને ધર્મસંદેશ સમિતિના અધ્યક્ષ અનિલ અને રાધેશ્યામ બાપુ વિશેષ ઉપસ્થિત રહેશે. કથા માટે ખાસ માર્ગદર્શન પૂરું પાડવા બાગેશ્વર ધામ વ્યવસ્થા પ્રમુખ શુક્લ પ્રશાંત પણ હાજર રહેશે. આ પ્રસંગે શહેર અને સૌરાષ્ટ્રભરની વિવિધ સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાશે.

આ ઐતિહાસિક હનુમંત કથાને સફળ બનાવવા શુક્રવારે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના અધ્યક્ષ કિશોર ખંભાયતા અને મુખ્ય આયોજન સમિતિના સભ્યો આશિષ શુક્લ, રાજેશ પિલ્લાઈ, મંગેશ દેસાઈ, વિક્રમસિંહ પરમાર, પરેશ રૂપારેલિયા, રમેશ શિંગાળા, ડેનીશ આરદેસણા અને વિજય પારખીયાના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કથાની આયોજન રૂપરેખા અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. કથામાં બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને અન્ય સુવિધાઓ સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

આ આયોજનને 30 થી વધુ અગ્રણી સંસ્થાઓએ પોતાનો ટેકો જાહેર કર્યો છે. જેમાં હિન્દુ જાગરણ મંચ, ધર્મ જાગરણ સમન્વય, લઘુ ઉદ્યોગ ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ, સનાતન ધર્મ સંકલન સેવા સમિતિ, હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન, ઉમા સારથી ફાઉન્ડેશન, સિંધી સોશિયલ ગ્રુપ, બડા બજરંગ મિત્ર મંડળ, પુરુષાર્થ યુવક મંડળ, ચમત્કારિક હનુમાનજી મંદિર ટ્રસ્ટ, બ્રહ્માંડ ફાઉન્ડેશન, સર લાખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિયેશન, નટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ, આપાગીગા યુવક મંડળ, ઉમિયા ફાઉન્ડેશન, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ, હિન્દ સ્વરાજ સેવા સંસ્થાન, સરદારધામ, સિંધી સમાજ, રાષ્ટ્ર સર્વોપરી, શેર વિથ સ્માઈલ NGO, કાઠીયાવાડી ફાઉન્ડેશન, રામેશ્વર મહાદેવ-ખોડીયાર મંદિર યુવા મંડળ, ભગવા ગ્રુપ, કારડીયા રાજપૂત સમાજ, વાલ્મિકી સમાજ અને વી કેન ગ્રુપના હોદ્દેદારો અને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા છે.સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને કાર્યાલય ઉદ્ઘાટન અને આગામી કથા શ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.