Loading Please Wait !!!
સૌ. યુનિ. હાઉસિંગ સોસાયટી દ્વારા નવા મેયરનું સન્માન

» મેયર નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર દક્ષા વસાણીનું શાલ ઓઢાડી સન્માન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર દક્ષા વસાણીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. વર્ષ ૧૯૭૨ માં સ્થપાયેલી અને રાજકોટ મહાનગરની સ્માર્ટ સોસાયટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર આ સંસ્થાના હોદ્દેદારો પદાધિકારીઓનું વિશેષ અભિવાદન કર્યું હતું. આ હાઉસિંગ સોસાયટીના વિકાસ કાર્યમાં હંમેશા મદદરૂપ થનાર મેયર ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર દક્ષા વસાણીનું સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડીયા, મંત્રી અને જાણીતી સેવાભાવી સંસ્થા સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજય જોશી, સહમંત્રી અજયસિંહ પરમાર, સહમંત્રી રમેશ સભાયા અને કારોબારી સભ્ય તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઈજનેર ડી. પી. ત્રિવેદી દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે પદાધિકારીઓને સોસાયટીના સુવર્ણ જયંતી વર્ષનો અંક પણ સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારો દ્વારા મનપાને લગતા તમામ વિકાસના કામોમાં હંમેશા હકારાત્મક વલણ અપનાવીને સહયોગી બનવા બદલ રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર દક્ષા વસાણીનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ અગ્રણી વિક્રમ પૂજારા, વોર્ડ નંબર ૬ ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર ૬ ના કોર્પોરેટર રાજુ અધેરા, જયસુખ ફાધરોટીયા, જાનકી કટોળીયા અને પૂર્વ કોર્પોરેટર જીતુ કટોળીયાનો પણ સોસાયટીના હોદ્દેદારો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.