શિક્ષણ નહીં, સેવા :બાળકો માટે સ્વર્ગ સમાન પંચનાથ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ
=> વર્ષમાં 6000 ફીમાં ભવિષ્ય ઘડતી રાજકોટની એકમાત્ર સ્કૂલ
=> 6000ની ફી સાથે બે જોડી યુનિફોર્મ, બૂટ-મોજા, નોટબુક બધુંય સ્કૂલ તરફથી આપવામાં આવે છે
=> જે વિદ્યાર્થી ગેરહાજર રહ્યા વગર સ્કૂલે આવે તો ફી પરત
=> બપોરે તમામ વિદ્યાર્થીઓને જમવાનું તો ખરું જ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના પંચનાથ મંદિર સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ અંગ્રેજી માધ્યમ સ્કૂલનું નામ આજે સાચે જ આશા અને સેવા સાથે જોડાઈ ગયું છે. જ્યારે આજના સમયમાં શિક્ષણ દિવસ પ્રતિદિવસ મોંઘું બની રહ્યું છે, ત્યારે અહીંથી એક અનોખી અને પ્રેરણાદાયી કહાની સામે આવી રહી છે.
આ સ્કૂલમાં નર્સરીથી ધોરણ ૪ સુધીના બાળકોને માત્ર ૬૦૦૦ વાર્ષિક ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે. આજના સમયમાં જ્યાં એક સામાન્ય સ્કૂલમાં ફી હજારોમાં નહીં પરંતુ લાખોમાં પહોંચે છે, ત્યાં આ પહેલ ખરેખર મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન છે. ફી સાથે જ વિદ્યાર્થીઓને બે જોડી યુનિફોર્મ, બૂટ-મોજા, નોટબુક અને સ્ટેશનરી આપવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ બાળકોને બપોરે પોષણયુક્ત અને સ્વાદિષ્ટ ભોજન પણ પૂરું પાડવામાં આવે છે. એક બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી દરેક બાબત અહીં ધ્યાનમાં લેવામાં આવી છે.
આ પહેલને વધુ અનોખી બનાવે છે તે નિયમ જે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન સંપૂર્ણ હાજરી રાખે છે, તેમની ફી પરત કરવામાં આવે છે. આથી બાળકોમાં નિયમિતતા અને શિસ્તનું સંસ્કાર પણ વિકસે છે. પૂર્વ કોર્પોરેટર દેવાંગ માંકડ અને તેમની ટીમની મહેનત અને
સેવા ભાવનાનું આ સુંદર પરિણામ છે. તેમની આ કામગીરી એ સાબિત કરે છે કે સાચી ઇચ્છા અને સંકલ્પ હોય તો સમાજ માટે ઘણું કરી શકાય છે. આવી મોંઘવારી વચ્ચે, જ્યાં માતા-પિતા માટે બાળકોનું ભણતર ભાર બની ગયું છે, ત્યાં રાજકોટની આ સ્કૂલ સાચે જ "વિદ્યાર્થીઓ માટે સ્વર્ગ" સમાન બની છે. આ માત્ર એક સ્કૂલ નથી, પરંતુ સમાજ માટે એક પ્રેરણા છે કે શિક્ષણ સેવા પણ બની શકે છે, વ્યવસાય જ નહીં.