ગોંડલના શેમળા ગામે તળાવમાં ડૂબવાથી 3 માસૂમ બાળકોના મોત
સિટી ન્યૂઝ@ગોંડલ
ગોંડલ તાલુકાના શેમળા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગામમાં આવેલા ઓરિયા તળાવમાં રમતા-રમતા ૪ માસૂમ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં ૧ જ પરિવારના ૩ બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧ બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને રાજકોટ ખસેડવામાં આવ્યો છે. એકસાથે ૩ બાળકોની અર્થી ઉઠતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો મુજબ, શેમળા ગામના ખેડૂત નિરુભા હઠુભા જાડેજાની વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના ૪ બાળકો વાડીની બાજુમાં આવેલા ઓરિયા તળાવ પાસે રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકો ડૂબતા હોવાની જાણ થતાં જ વાડી માલિક અને સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને ચારેય બાળકોને પાણીની બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક ગોંડલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
ગોંડલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ અર્જુન ભુરા બબેરીયા, લખત કરશન ડામોર અને ૩ વર્ષની લક્ષ્મી કરશન ડામોરને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ૧ વર્ષના માસૂમ સાહિલ ભુરા બબેરીયાની હાલત અત્યંત ગંભીર જણાતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. રોજીરોટી રળવા આવેલા શ્રમિક પરિવાર પર અચાનક આભ તૂટી પડતા કરુણ આક્રંદ છવાયો હતો. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશ માધડ, ગીરીશ ગોહેલ અને વ્યાજબી સહિતના સેવાભાવીઓ પીડિત પરિવારની મદદે દોડી આવ્યા હતા. આ ઉપરાંત યુવા અગ્રણી ગણેશ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભરત ધોલરીયા, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન હૂંમર સહિતના રાજકીય આગેવાનોએ પણ હોસ્પિટલ પહોંચીને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને જરૂરી તમામ સહાયની ખાતરી આપી હતી.