Loading Please Wait !!!
શાપર પંચાયતનો આધુનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ કાર્યરત

UNICEF અને ડીડીઓ સહિતની ટીમો દ્વારા 58 લાખના ખર્ચે બનેલા પ્લાન્ટની ભારે પ્રશંસા
ધોરણ 10 પાસ સરપંચ જયેશ કાકડિયાના સ્માર્ટ આયોજનથી ગામ ગાર્બેજ પોઈન્ટ ઝીરો બન્યું

સિટી ન્યૂઝ@શાપર (વેરાવળ)
મોટા શહેરો કચરાના નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચીને મૂંઝવણ અનુભવે છે, ત્યારે શાપર ગામે આખા ગુજરાત રાજ્યમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન) ની શ્રેષ્ઠ પહેલ કરી નવો ચીલો ચાતર્યો છે. શાપર પંચાયતના આ આધુનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સૌરાષ્ટ્રના પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટ પ્લાન્ટની વ્યવસ્થા જોઈને વૈશ્વિક સંસ્થા યુનિસેફ (UNICEF) ની ટીમ પણ આફરીન પોકારી ઉઠી છે. રાજકોટ ડીડીઓ આનંદ સુરેશ ગોવિંદ ઉપરાંત ૮ જિલ્લાની ટીમો, સરપંચો અને વિવિધ એનજીઓ દ્વારા આ પ્લાન્ટની મુલાકાત લઈ કામગીરીને બિરદાવવામાં આવી છે.

ઓક્ટોબર ૨૦૨૫ થી શરૂ થયેલી આ ઝુંબેશના કારણે શાપર ગામ આજે 'ગાર્બેજ પોઈન્ટ ઝીરો' બની ગયું છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૨ એકર જમીન પર CIE ઇન્ડિયા કંપનીના CSR ફંડમાંથી ૫૮ લાખના આર્થિક સહયોગથી આ પ્રોજેક્ટ આકાર પામ્યો છે. હાલ ૧૩૦૦ થી વધુ ઘરોમાંથી રોજનો ૧ ટન ભીનો અને સૂકો કચરો એકત્ર કરી વૈજ્ઞાનિક ઢબે અલગ કરાય છે. ભીના કચરામાંથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવી પંચાયત દ્વારા ખેડૂતો અને બગીચાઓ માટે વેચવામાં આવે છે, જ્યારે સૂકા કચરામાંથી પ્લાસ્ટિક, પૂંઠા અને લોખંડ અલગ કરી રિસાયકલિંગ માટે મોકલાય છે.

આગામી ૨ વર્ષ માટે CYDA સંસ્થા આ પ્રોજેક્ટનું સંચાલન કરી તેને નફાકારક બનાવી ગ્રામ પંચાયતને સોંપશે. માત્ર ધોરણ ૧૦ પાસ સરપંચ જયેશ કાકડિયાના આધુનિક આયોજન અને દીર્ઘદ્રષ્ટિથી આ સફળતા મળી છે. પ્લાસ્ટિક અને ઘન કચરાના સફળ નિકાલ બાદ, હવે પંચાયત ગંદા પાણીને શુદ્ધ કરવા યુનિસેફના સહકારથી ૧૦૦ KLD નો અત્યાધુનિક STP પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. પર્યાવરણ જાળવણીના ભાગરૂપે છેલ્લા ૨ વર્ષમાં ૧૨૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર પણ કરાયું છે. ગામના નાગરિકોના સહકારથી સાકાર થયેલા આ પ્રોજેક્ટ અંગે યુનિસેફની ટીમે પણ ભલામણ કરી છે કે આખા રાજ્યમાં શાપર જેવો સોલિડ વેસ્ટ પ્લાન્ટ મોડેલ તરીકે વિકસાવવો જોઈએ.