Loading Please Wait !!!
રાજકોટ કોંગ્રેસ દ્વારા પંડિત નહેરુની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ

સિટી ન્યૂઝ@રાજકોટ

આધુનિક ભારતના શિલ્પી, પ્રથમ વડાપ્રધાન અને લોકશાહી મૂલ્યોના પ્રણેતા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ચોક, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસે આવેલી પંડિત નહેરુની પ્રતિમાને કોંગ્રેસના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્ર નિર્માણમાં તેમના ઐતિહાસિક યોગદાનને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, પંડિત નહેરુ દેશના ભવિષ્યને નવી દિશા આપનાર એક દ્રષ્ટાવંત નેતા હતા. સ્વતંત્રતા પછી જ્યારે દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો હતો, ત્યારે તેમણે દેશને એકતા, લોકશાહી અને વિકાસના માર્ગે આગળ વધાર્યો. નહેરુએ દેશમાં શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ, કૃષિ અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપીને નવા ભારતના નિર્માણનો મજબૂત પાયો નાખ્યો હતો.
ડૉ. રાજદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે પંડિત નહેરુ હંમેશા યુવાનોને દેશની સૌથી મોટી શક્તિ માનતા હતા. શિક્ષિત અને જાગૃત યુવાનો જ દેશનું ભવિષ્ય ઘડી શકે છે તેવો તેમનો દ્રઢ મત હતો. આજના સમયમાં જ્યારે દેશને એકતા, ભાઈચારો અને બંધારણીય મૂલ્યોની સૌથી વધુ જરૂર છે, ત્યારે નહેરુની વિચારધારા વધુ પ્રાસંગિક બની છે. કોંગ્રેસ પક્ષ હંમેશા તેમના દર્શાવેલા માર્ગ પર ચાલીને દેશની એકતા અને લોકશાહી મૂલ્યોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વશરામ સાગઠિયા, જશવંતસિંહ ભટ્ટી, અતુલ રાજાણી, ઈબ્રાહીમ સોરા, મનિષા રોજાસરા, દિપ્તી સોલંકી, ભાવેશ વાઘેલા, જગદીશસિંહ જાડેજા, રાજેશ બાબરીયા, ઠાકરશી ગજેરા, મનસુખ જાદવ, પ્રવીણ રોજાસરા, સુરેશ ગરૈયા, મેઘરાજસિંહ ચુડાસમા, દિગુભા ઝાલા, કમલેશ મકવાણા અને સુરેશ મકવાણા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ હોદ્દેદારો, વર્તમાન તથા પૂર્વ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ પંડિત નહેરુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.