Loading Please Wait !!!
સિવિલ એન્જિનિયરોનું શોષણ સામે આવેદન

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત ઈજનેરો અને સુપરવાઈઝરો દ્વારા વ્યાપક શોષણના વિરોધમાં અને પોતાના હક્કોની માંગણી સાથે શ્રમ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજકોટ સિવિલ ઈન્જિનિયર્સ એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, કન્સ્ટ્રક્શન સાઈટ પર કાર્યરત કર્મચારીઓ વર્ષોથી કાયદાકીય જોગવાઈઓથી વંચિત છે. ભારત સરકાર દ્વારા લેબર અને એમ્પ્લોયમેન્ટ કોડ હેઠળ અનેક અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં Factories Act, ૧૯૪૮ ના સેક્શન ૫૧ મુજબ ૮ કલાક કામ અને અઠવાડિયામાં મહત્તમ ૪૮ કલાકની જોગવાઈ છે. આ ઉપરાંત સેક્શન ૫૨ હેઠળ ૧ દિવસની રજા અને સેક્શન ૫૯ હેઠળ ઓવરટાઈમનું ડબલ વળતર મળવાપાત્ર છે. આ સિવાય કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ, જાહેર રજાઓ અને મેટરનિટી/પેટરનિટી રજાઓ મળવી જોઈએ તેવો નિયમ છે. જોકે, રાજકોટની અંદાજિત ૮૦% થી વધુ કન્સ્ટ્રક્શન સાઈટ પર આ કાયદાઓનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ છે. સાઈટ પર કાર્યરત ઈજનેરો અને સુપરવાઈઝરોની સ્થિતિ અંગે એસોસિએશન દ્વારા નીચે મુજબની ફરિયાદો કરવામાં આવી છે.

=> પર ૧૨ થી ૧૫ કલાકની ફરજ બજાવવી પડે છે અને કોઈ સાપ્તાહિક રજા મળતી નથી.

=> ઓવરટાઈમ કે વધારાના કામનું કોઈ વળતર ચૂકવવામાં આવતું નથી.

=> પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેચ્યુટી જેવી કોઈ પણ વ્યવસ્થા નથી.

=> પગાર નિર્ધારિત સમય પર ચૂકવવામાં આવતા નથી.

=> હેલ્થ ઇન્શ્યોરન્સ કે એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.

=> મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં રાખીને પગારમાં નિયમિત વધારો કરવામાં આવતો નથી.

રાજકોટ સિવિલ ઈન્જિનિયર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના વિકાસમાં ઈજનેરો અને સુપરવાઈઝરોનું મોટું યોગદાન છે, તેમ છતાં તેમને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. સંસ્થાએ માંગણી કરી છે કે શ્રમ અધિકારી આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદાનું કડક પાલન કરાવે અને કર્મચારીઓને તેમના અધિકારો અપાવવા માટે પરિપત્ર બહાર પાડે.