Loading Please Wait !!!
સિવિલ હોસ્પિટલની સુવિધાઓ વધારવા ગાંધીનગરમાં રજૂઆત

» મંજૂર થયેલા ઓટોમેટેડ બ્લડ ટેસ્ટિંગ મશીનો 18 વર્ષથી માત્ર કાગળ પર

» વિનય જસાણી અને મિતલ ખેતાણી દ્વારા મંત્રીઓ અને MLAની ઉપસ્થિતિમાં રજૂઆત

સિટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પ્રવર્તતી ગંભીર અસુવિધાઓ અને દર્દીઓની હાલાકી મુદ્દે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મેડિકલ હબ બની ચૂકેલા રાજકોટમાં આરોગ્ય સેવાઓ કથળતી જતી હોવાનો આક્ષેપ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા આવે છે, જેમાં થેલેસેમિયાથી પીડાતા પ૫૦ જેટલા માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આમ છતાં, હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો મોટો અભાવ છે. હોમેટોલોજીસ્ટ, ન્યુરોફિઝિશિયન અને આંખના પડદાના નિષ્ણાત તબીબો ન હોવાથી ગરીબ દર્દીઓએ ભારે પરેશાની ભોગવવી પડે છે અને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ ભોગવવા પડે છે, જેથી આ ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવા ઉગ્ર માંગ ઉઠી છે.
સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં લોહીની કાયમી અછત રહેતી હોવાથી દર્દીઓના સગાઓએ ફાંફા મારવા પડે છે.

આ માટે રોગી કલ્યાણ સમિતિ દ્વારા બહારની બ્લડ બેંકોમાંથી દર્દીઓને લોહી પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવાય તે અત્યંત જરૂરી છે. સૌથી આઘાતજનક બાબત એ સામે આવી છે કે, સિવિલ બ્લડ બેંક માટે ઓટોમેટેડ બ્લડ ટેસ્ટિંગ મશીનો વર્ષ ૨૦૦૮ માં મંજૂર થયા હતા, પરંતુ ૧૮ વર્ષ વીતી જવા છતાં આ મશીનો હજુ સુધી હોસ્પિટલને મળ્યા નથી, જે આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે.
વધુમાં, IHBT વિભાગમાં પ્રોફેસરની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે, ત્યાં પેથોલોજીસ્ટ ડોક્ટર્સની ભરતી કરવામાં આવે તો નવા રિસર્ચ થઈ શકે અને દર્દીઓને તેનો સવિશેષ લાભ મળે તેવી માંગ કરાઈ છે. આ તમામ ગંભીર મુદ્દે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના ચેરમેન વિનય જસાણી, કરુણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી અને તેમની ટીમના મંથન માંકડ દ્વારા ગાંધીનગર ખાતે મંત્રી પ્રફુલ પાનસુરીયા અને મંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય રમેશ ટીલાળા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સિવિલ હોસ્પિટલના લાભાર્થે સનાતન સેતુ હનુમંત કથા રેસકોર્સ ખાતે તારીખ 5, 6, 7 જૂનના રક્તદાન કેમ્પ

અત્યારે ઉનાળાની સખત ગરમીના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડની અછત છે, ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સનાતન સેતુ હનુમંત કથા રેસકોર્સ ખાતે તારીખ ૫, ૬ અને ૭ જૂનના શુક્ર, શનિ અને રવિવારે સાંજે ૬ થી ૧૨ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પમાં સનાતન સેતુ સમિતિ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના એમડી પેથોલોજિસ્ટ ડોક્ટર્સની ટીમ માનદ સેવા આપશે. દાતાઓને બહોળી સંખ્યામાં રક્તદાન કરવા નમ્ર વિનંતી છે. આપના સ્નેહીજનોના જન્મદિવસ કે સ્મૃતિ રૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવા, અંગદાન, દેહદાન, ત્વચાદાન, ચક્ષુદાન, થેલેસેમિયા જાગૃતિ સેમિનાર કરવા કે જીવ દયાના અન્ય કોઈપણ કાર્યો માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન વિનય જસાણી 94282 00660 નો સંપર્ક કરવા વિનંતી.