અલિયાવાડા સ્ટેશન પર 3 વિશાળ ગર્ડરનું સફળ લોન્ચિંગ
» 3 કલાકના મેગા બ્લોકમાં ૪ ટ્રેક પર ફૂટ ઓવર બ્રિજની કામગીરી પૂર્ણ કરાઈ
» નવા બ્રિજથી મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો: રેલવે મેનેજર
સિટી ન્યૂઝ@રાજકોટ
મુસાફરોની સુવિધા વધારવા અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની દિશામાં પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત અલિયાવાડા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ માટે ૨૪ મે ૨૦૨૬ ના રોજ ૩૭.૨૮ મીટર લંબાઈ ધરાવતા ૩ વિશાળ ગર્ડરનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ જટિલ કામગીરી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રેન વ્યવહારને ઓછામાં ઓછી અસર થાય તે રીતે ઉત્કૃષ્ટ આયોજન કરીને માત્ર 3 કલાકના બ્લોકમાં ૪ રેલવે ટ્રેક ઉપર આ 3 મહાકાય ગર્ડર સુરક્ષિત રીતે સ્થાપિત કરી દેવાયા હતા. આ સફળ લોન્ચિંગ રાજકોટ ડિવિઝનની તકનીકી કુશળતા અને કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અલિયાવાડા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી મુસાફરો હવે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર સુરક્ષિત અને સરળતાથી અવરજવર કરી શકશે. આ અંગે ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝન મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આ નવો બ્રિજ યાત્રીઓના મુસાફરી અનુભવને વધુ અનુકૂળ બનાવવાની સાથે રેલવે નેટવર્કને નવી મજબૂતી પ્રદાન કરશે.