ચૂંટણી ટાણે સુપર એક્ટિવ પોલીસ, હવે બુટલેગરો માટે બન્યું ખુલ્લું મેદાન ?
- રાજકોટમાં ફરી બૂટલેગરોના દિવસો: પોલીસની કામગીરી સામે સવાલો
- રાજકોટમાં દારૂબંધીના દાવાઓ પર જનતાના વેધક સવાલો
- ચૂંટણી પતી, `ખાખી'ની સ્પીડ ઘટી?
- ચૂંટણી ટાણે લાખોનો `માલ' ઝડપાયો, હવે કેમ શાંતિ?
- ચૂંટણી હતી તો ચોકી પહેરો હતો, ગલીએ-ગલીએ ખાખીનો ઘેરો હતો
- વોટ સુધી જ વરદીનો ખોફ ? ચૂંટણી બાદ રાજકોટમાં ફરી દારૂના હાટડા શરૂ
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શાંત થયાને હજુ એક અઠવાડિયું માંડ થયું છે, ત્યાં જ પોલીસ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થચિહ્નો ઉભા થયા છે. ચૂંટણી પહેલા જે તંત્ર `સુપર એક્ટિવ' મોડમાં હતું, તે પરિણામો આવતાની સાથે જ `સાઇલન્ટ મોડ'માં કેમ આવી ગયું? તેવો સવાલ અત્યારે રાજકોટની જનતા પૂછી રહી છે.આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, ચૂંટણીના છેલ્લા 10-15 દિવસોમાં રાજકોટ જિલ્લાની હદમાંથી અંદાજિત 1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા હતા.
દરરોજ મોટા કન્ટેનરો અને ગાડીઓ પકડાતી હતી. પરંતુ જેવી ચૂંટણી પૂરી થઈ, કે તરત જ મોટા જથ્થા પકડાવાની પ્રક્રિયા થંભી ગઈ હોય તેવું લાગે છે.તંત્રની આ `મોસમ' મુજબની કડકાઈ સામે સામાન્ય નાગરિકોમાં રોષ છે. જો ચૂંટણી સમયે આટલો મોટો જથ્થો પકડાઈ શકતો હોય, તો સામાન્ય દિવસોમાં આ માલ ક્યાં ગાયબ થઈ જાય છે? શું હવે ફરી કોઈ મોટી ચૂંટણીની રાહ જોવી પડશે?
હવે આગામી દિવસોમાં માત્ર એક-બે બોટલ કે છૂટી પેટીઓ પકડીને જ સંતોષ મનાશે કે મોટા મગરમચ્છો સુધી પાંજરા પહોંચશે?
બુટલેગરોએ શું ચૂંટણી પૂરી થતા જ ધંધા બંધ કરી દીધા? શું પોલીસની કડકાઈ માત્ર આચાર સંહિતા પૂરતી જ મર્યાદિત હોય છે?