સ્વ. વિજય રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સેવાકાર્યો
12 જૂનના રોજ પ્લેન ક્રેશમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રીને અપાશે શ્રદ્ધાંજલિ
- સ્વ. વિજય રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સેવાકાર્યો
- જૈન વિઝન દ્વારા ભજન, ભોજન, ભક્તિ અને જીવદયાના કાર્યોની હારમાળા
- દિવ્યાંગો, જરૂરિયાતમંદો અને અબોલ જીવો માટે કરાશે વિશેષ સેવાકાર્યો
સિટી ન્યૂઝ, રાજકોટ
૧૨ જૂન ૨૦૨૫ ના રોજ બનેલી એક ગોઝારી વિમાની દુર્ઘટનામાં ગુજરાતે એક કુશળ વહીવટકર્તા, સ્વપ્નદ્રષ્ટા, આધુનિક રાજકોટના શિલ્પી અને સૌના હૃદયમાં સદૈવ અમર રહેનારા ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ખોયા હતા.
આગામી ૧૨ જૂને આ દુર્ઘટનાને ૧ વર્ષ થવા જઈ રહ્યું છે, ત્યારે સામાજિક સંસ્થા જૈન વિઝન દ્વારા સ્વ. વિજય રૂપાણીના સેવા કાર્યોનું સ્મરણ કરીને અનેકવિધ સેવા કાર્યોની જાહેરાત કરવામાં આવી છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, ભજન, ભોજન, ભક્તિ, જીવદયા અને માનવતાલક્ષી કાર્યો થકી સ્વ. વિજય રૂપાણી તથા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય દિવંગતોને સાચા અર્થમાં સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવશે.
મિલન કોઠારીના જણાવ્યા મુજબ, જૈન વિઝન દ્વારા ૧૨ જૂનના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અનેક સુકૃત કાર્યો થશે. જૈન વિઝન મહિલા વિંગ દ્વારા અનુકંપા અને કરુણાના ભાવ સાથે રાજકોટ મહાજનની પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ૨૫૦ કિલો લાડવા તથા પારેવાને ૧૦૦ કિલો ચણ અર્પણ કરી જીવદયાનું ઉત્તમ કાર્ય કરવામાં આવશે.
આ ઉપરાંત, પૂજ્ય ધીર ગુરુદેવ દ્વારા નૂતનીકરણ પામેલી છગનલાલ શામજી વિરાણી મૂક-બધિર શાળાના દિવ્યાંગ બાળકોને જૈન વિઝન દ્વારા મિષ્ટ ભોજન કરાવવામાં આવશે. પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રોટી અભિયાન અંતર્ગત ઝૂપડપટ્ટી અને છેવાડાના લોકોને ૧ દિવસનું ભોજન આપવામાં સંસ્થા મદદરૂપ બનશે.
સાથે જ પૂજ્ય પારસ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત જૈન ભોજનાલયમાં ૧ દિવસ દરેકને ભોજન અપાશે. શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ મારફતે જરૂરિયાતમંદોને ભોજન તેમજ ટિફિન પાર્સલ પહોંચાડીને પુણ્ય ઉપાર્જન કરવામાં આવશે. વધુમાં, બોલબાલા ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા અન્નપૂર્ણા રથમાં પણ દીન-દુખીયા લોકોની જઠરાગ્નિ ઠારવામાં ટીમ જૈન વિઝન નિમિત્ત બનશે. આમ, સેવા કાર્યોની હારમાળા સર્જીને દિવંગતોને ભાવાંજલિ આપવામાં આવશે.
- વોર્ડ નં.16માં શ્રદ્ધાંજલિ-દેશભક્તિ ગીતનો કાર્યક્રમ
રાજકોટના પનોતા પુત્ર અને રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે વોર્ડ નંબર ૧૬માં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આગામી તારીખ ૧૩ને શનિવારના રોજ યોજવામાં આવ્યો છે.
રાજકોટ શહેર ભાજપ અગ્રણી અને પીઢ આગેવાન રમેશભાઈ ઉંધાડ (ભાઈજી) દ્વારા વોર્ડ નંબર ૧૬માં આવેલ દેવપરા ચોક કોઠારીયા રોડ જૂનું ભાજપ કાર્યાલય ભાઈજીના ડેલા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રમેશભાઈ ઉંધાડએ જણાવ્યું હતું કે રાજ્યના વિકાસમાં જેઓનો સિંહ ફાળો છે તેવા સ્વ. વિજયભાઈ રૂપાણી સૌ રાજકોટવાસીઓના હૃદયમાં છે. તેઓએ મુખ્યમંત્રી કાળ દરમિયાન રાજકોટ શહેરને એઇમ્સ હોસ્પિટલ, નવું એરપોર્ટ, જનાના હોસ્પિટલ, બસ પોર્ટ, અટલ સરોવર, અનેક અંડરબ્રિજ-ઓવરબ્રિજ સહિતની બહુમૂલ્ય ભેટો આપી હતી.
આ ઉપરાંત રાજકોટના વિકાસ માટે વિજયભાઈ રૂપાણીએ ક્યારેય પાછી પાની કરી ન હતી. લોકસેવાના અભિગમ સાથે સતત લોકોની વચ્ચે રહી લોકોના કામો કરનાર વિજયભાઈ રૂપાણીની હંમેશા ખોટ રહેશે.
આવા જ હૃદય સમ્રાટ સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ વર્ષીય પુણ્યતિથિ નિમિતે આગામી તારીખ ૧૩ને શનિવારના રોજ ભાઈજીના ડેલા ખાતે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ તેમજ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ રાત્રે ૯ વાગ્યે શરૂ થશે અને રાત્રિના ૧૨ વાગ્યા સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારજનો, પક્ષના આગેવાનો, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહેશે.