વિશ્વમાં પ્રથમવાર રાજકોટમાં વિવેકાનંદ કથાનું આયોજન
=> સોશિયલ મીડિયામાં સ્વામી વિવેકાનંદના નામે વાયરલ થતી ભ્રામક માહિતીઓ અને નકલી અવાજનું સત્ય ઉજાગર કરાશે
=> રામકૃષ્ણ આશ્રમ ખાતે સ્વામી નિખિલેશ્વરાનંદના મુખેથી વિશ્વસનીય ગ્રંથો આધારિત સંગીતમય કથાનું રસપાન કરાવાશે
સિટી ન્યૂઝ@રાજકોટ
સોશિયલ મીડિયાના યુગમાં મહાપુરુષો વિશે અનેક ખોટી માહિતીઓ વાયરલ થતી હોય છે. હાલ સ્વામી વિવેકાનંદના બનાવટી અવાજ અને કપોળ કલ્પિત વાતોના મેસેજની ભરમાર ચાલી રહી છે. આ ભ્રામક માહિતીઓ દૂર કરી સત્ય ઉજાગર કરવા રાજકોટના રામકૃષ્ણ આશ્રમ દ્વારા અધિક માસ નિમિત્તે વિશ્વમાં સૌપ્રથમ વખત ગુજરાતીમાં 'સ્વામી વિવેકાનંદ કથા' નું ભવ્ય આયોજન કરાયું છે. વર્તમાન સમયમાં જનરેશન ઝેડ અને જનરેશન આલ્ફા તરીકે ઓળખાતી યુવા પેઢી સોશિયલ મીડિયાના અપપ્રચારનો ભોગ બની રહી છે. અનેક યુવાનો ટેન્શન અને ડિપ્રેશનમાં ધકેલાઈને આત્મહત્યા જેવા અંતિમ પગલાં ભરતા અચકાતા નથી, કારણ કે આ પેઢી સ્વામી વિવેકાનંદના વાસ્તવિક જીવન અને વિચારો વિશે ભાગ્યે જ સાચી માહિતી ધરાવે છે. યુવા પેઢીને સ્વામી વિવેકાનંદના સંઘર્ષમય જીવનથી માહિતગાર કરી, તેમની સમસ્યાઓનો સચોટ ઉકેલ પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે આ 3 દિવસીય કથા યોજાવા જઈ રહી છે.
રામકૃષ્ણ આશ્રમના વિવેક હોલ ખાતે આગામી 24, 25 અને 26 મે 2026 ના રોજ સાંજે 7.30 થી 8.45 કલાક સુધી આ કથા ચાલશે. કથા દરમિયાન રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ વિશ્વસનીય ગ્રંથોના આધારે સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરણાદાયક પ્રસંગો રજૂ કરશે. આ સંગીતમય કથામાં સ્વામી વિજયેશાનંદ અને તેમના સાથી કલાકારો સંગીતના દિવ્ય સૂરો રેલાવશે. રાજકોટમાં જ્યારે આવી ઐતિહાસિક કથા યોજાઈ રહી છે, ત્યારે આ કથાનું રસપાન કરી જીવનમાં સકારાત્મક ઉર્જા મેળવવા રામકૃષ્ણ આશ્રમ દ્વારા જાહેર જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.