રાજકોટ મહાપાલિકા પ્રજાને સેવા નહીં, સજા આપે છે !
- જન્મ મરણના દાખલામાં ધક્કા જ ખાવાના તો ધૂળ પડી આવા તંત્ર ઉપર
- ડિજિટલ ઈન્ડિયા નહીં, ધક્કા ઈન્ડિયા' રાજકોટની કરૂણ હકીકત
રાજકોટ શહેરમાં જન્મ અને મરણ દાખલા મેળવવા માટે લોકો ભોગવી રહેલી હાલાકી હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. CRS પોર્ટલ લાંબા સમયથી ડાઉન રહેતાં સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં 100 થી વધુ લોકો દ્વારા કરાયેલ હોબાળો માત્ર એક ઘટના નથી, પરંતુ તંત્રની અસમર્થતા અને અવ્યવસ્થાનું પ્રતિબિંબ છે.
લોકો 100 થી 150 કિલોમીટર દૂરથી આશા લઈને રાજકોટ પહોંચે છે, પરંતુ 3 થી 4 વખત ધક્કા ખાવા છતાં તેમને જરૂરી દાખલા મળતા નથી. આ પરિસ્થિતિ માત્ર સમય અને પૈસાનો બગાડ જ નથી, પરંતુ માનસિક તણાવ અને અસહાયતાની લાગણી પણ ઉભી કરે છે. ખાસ કરીને એવા લોકો માટે, જેમને તાત્કાલિક દાખલા જરૂરી હોય જેમ કે શિક્ષણ, નોકરી, પાસપોર્ટ કે અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ માટે આ વિલંબ ગંભીર અસર કરે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે સ્થાનિક અધિકારીઓ પોતે જ કહે છે કે ઉપરથી પોર્ટલ બંધ છે, અમને પણ કોઈ જવાબ નથી મળતો. આ નિવેદન તંત્રની જવાબદારીથી પલાયન દર્શાવે છે. જ્યારે અધિકારીઓ પાસે જ સ્પષ્ટતા નથી, ત્યારે સામાન્ય પ્રજા કોના પર ભરોસો રાખે?
ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે આવી સમસ્યાઓ શાસન વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરે છે. ટેક્નોલોજીનો ઉપયોગ પ્રજાની સુવિધા માટે થવો જોઈએ, પરંતુ અહીં તે જ ટેક્નોલોજી અવરોધ બની રહી છે. પોર્ટલની વારંવારની ખામી અને તેનો લાંબા સમય સુધી ઉકેલ ન આવવો, એ સિસ્ટમ મેનેજમેન્ટની નબળાઈ દર્શાવે છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો અત્યંત આવશ્યક છે. સરકાર અને સંબંધિત વિભાગોએ પોર્ટલની તકનિકી ખામીઓ દૂર કરીને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ, જેથી લોકોના કામ અટક્યા વગર પૂરા થઈ શકે. સાથે જ, જવાબદાર અધિકારીઓએ પારદર્શક માહિતી આપવી અને પ્રજાને યોગ્ય માર્ગદર્શન આપવું પણ જરૂરી છે. અંતમાં, જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે, તો પ્રજાનો રોષ વધુ ઉગ્ર બની શકે છે, જે શાસન માટે ચેતવણીરૂપ છે. પ્રજાની સહનશક્તિની પણ એક મર્યાદા હોય છે. તંત્રએ હવે જાગવાની જરૂર છે.