છેલ્લા 10 વર્ષના રેટ કોન્ટ્રાક્ટની વિજિલન્સ તપાસ કરવાની માંગ
જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે કોંગ્રેસના આક્ષેપ
27 લાખનું બિલ ફગાવવું આવકાર્ય, પરંતુ ચૂકવાયેલા અન્ય બિલોની પણ તપાસ કરી જવાબદારો પાસેથી રિકવરી કરવાની કોંગ્રેસની માંગ
સીટી ન્યૂઝ@રાજકોટ
જંગલેશ્વર ડિમોલિશન પ્રકરણને લઈને શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા અને પૂર્વ ઉપપ્રમુખ નાગજીભાઈ વિરાણીએ મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષ દરમિયાન રેટ કોન્ટ્રાક્ટ હેઠળ થયેલા ખર્ચ અને બિલોની વિજિલન્સ તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના આગેવાનોનો દાવો છે કે સ્ટેન્ડિંગ કમિટીએ ટેન્ડર વિના રજૂ કરાયેલ ૨૭ લાખનું બિલ ફગાવ્યું તે યોગ્ય નિર્ણય છે, પરંતુ ગાડી, ગંદપ, ડ્રોન, વિડિયોગ્રાફી સહિતના અન્ય ખર્ચના બિલો અગાઉ ચૂકવાઈ ચૂક્યા હોવાથી તેની પણ તપાસ થવી જોઈએ. જે ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવી જોઈએ, આગેવાનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ટેન્ડર પ્રક્રિયાનું પાલન કર્યા વિના લાખો રૂપિયાના ખર્ચના બિલો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા છેલ્લા દસ વર્ષમાં આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અને ચૂકવાયેલા બિલોની તલસ્પર્શી તપાસ કરાવી દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.