Loading Please Wait !!!
ટ્રેનના ડબ્બામાં ચાલતું હતું ગેરકાયદે રસોડું

  • રાજકોટ રેલવે પોલીસે જપ્ત કરેલ સિલિન્ડરના કેસમાં થયો સ્ફોટક ખુલાસો
  • પોરબંદર-શાલીમાર પેન્ટ્રી કારના મેનેજરે ટ્રેનમાં ચાલુ કર્યું રસોડું

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ રેલવે સ્ટેશન પર શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેનની પેન્ટ્રી કારમાં બે દિવસ પહેલાં પેન્ટ્રી કારનો મેનેજર કુલ ૧૦ નાના ગેસ સિલિન્ડર સાથે ઝડપાયો હતો, જેમાંથી ૩ ગેસ સિલિન્ડર ભરેલા હતા, પોલીસ તપાસ દરમિયાન સ્ફોટક ખુલાસો થયો છે કે, આરોપી ટ્રેનના ડબ્બામાં મુસાફરોના જીવ જોખમમાં મૂકી ગેરકાયદેસર રસોડું ચલાવતો હતો. રાજકોટ રેલવે સ્ટેશન પર શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેનની પેન્ટ્રી કારમાંથી બે દિવસ પહેલાં ૧૦ ગેસ સિલિન્ડર સાથે ઝડપાયેલા મૂળ બોર્ડ (મધ્યપ્રદેશ)ના પેન્ટ્રી કાર મેનેજર શિશુપાલસિંહ દેવીસિંહ ગુર્જર(ઉ.પ.૪૩) ટ્રેનના ડબ્બામાં જ ગેરકાયદેસર રસોડું ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મુસાફરોના જીવ જોખમમાં મૂકી નિયમોનો ભંગ કરનાર આરોપી પાસેથી ઝડપાયેલા ૧૦ સિલિન્ડરમાંથી ત્રણ ગેસથી ભરેલા હતા. રેલવે પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ટ્રેનમાં જ્વલનશીલ વસ્તુનો ઉપયોગ અને રસોડું ચલાવવાની મનાઈ હોવા છતાં આરોપી વધુ આર્થિક લાભ માટે ટ્રેનમાં જ રસોઈ-ચા બનાવી મુસાફરોને ભોજન પીરસતો હતો. નિયમ મુજબ આવી ટ્રેનમાં રેલવે સ્ટેશનની અધિકૃત કેન્ટીનમાંથી તૈયાર ભોજન મંગાવી પીરસવાનું હોય છે, જ્યારે જે ટ્રેનમાં આરોપી ઝડપાયો હતો તેમાં ઇલેક્ટ્રિક સગડીના ઉપયોગની પણ મંજૂરી નહોતી. રાજકોટ રેલવે પોલીસ દ્વારા ઇન્ડિયન એક્સપ્લોઝિવ એક્ટની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં મેનેજર સાથે રેલવે સ્ટાફ પણ સામેલ હોવાની શંકાના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 પોરબંદર, પશ્ચિમ બંગાળની બે ગેસ એજન્સીમાંથી સપ્લાય થતા હતા સિલિન્ડર

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પોરબંદરની મિનિ ભારત ગેસ એજન્સી અને પશ્ચિમ બંગાળની ઇન્ડેન ગેસ એજન્સીમાંથી કાળાબજારમાં નાના સિલિન્ડર મેળવી ટ્રેનમાં ઉપયોગ કરતો હતો. તેની પાસેથી મિનિ ભારત કંપનીના પોરબંદરથી લઈ આવેલા ચાર અને ઇન્ડેન કંપનીના પશ્ચિમ બંગાળથી લઈ આવેલા છ મળી કુલ ૧૦ સિલિન્ડર જપ્ત કરાયા છે. હવે સિલિન્ડર સપ્લાયની સમક્ષ સાંકળ અંગે રેલવે પોલીસ દ્વારા ગેસ એજન્સીઓને પણ નોટિસ ફટકારી તપાસને આગળ વધારવામાં આવી છે.