રૂટ્સ ફોર ચેન્જ : 10 લાખ વૃક્ષારોપણનો વૈશ્વિક સીમાચિહ્ન
સિટી ન્યૂઝ@રાજકોટ
ઇસ્માઈલી મુસ્લિમ સમુદાયની ‘રૂટ્સ ફોર ચેન્જ’ પહેલે પર્યાવરણીય સંભાળમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર એક વર્ષથી વધુ સમયગાળામાં ૧૭ દેશોમાં ૧૦,૦૦,૦૦૦ થી વધુ વૃક્ષો વાવીને આબોહવા પરિવર્તન સામે લડવાની દિશામાં સામૂહિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દુબઈમાં યોજાયેલા ‘ગ્લોબલ એન્કાઉન્ટર્સ ફેસ્ટિવલ ૨૦૨૫’ દરમિયાન શરૂ થયેલી આ પહેલનું સંચાલન ‘ઇસ્માઈલી સિવિક’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય અગાખાન ડેવલપમેન્ટ નેટવર્કની ટકાઉપણાની નીતિના ભાગરૂપે પૃથ્વીના સંવર્ધનનો હતો. આ કાર્યક્રમમાં મેન્ગ્રોવ્ઝના વાવેતરથી લઈને કૃષિ-વાનિકી સુધીની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લીડર્સ ઇન્ટરનેશનલ ફોરમના ચેરમેન મલિક તાલિબના જણાવ્યા અનુસાર, “સૃષ્ટિના રક્ષક તરીકે, આ દુનિયાને મળ્યા કરતાં વધુ સારી સ્થિતિમાં છોડી જવાની આપણી નૈતિક ફરજ છે. ૧૦,૦૦,૦૦૦ વૃક્ષો એ દર્શાવે છે કે જ્યારે સમુદાય એક નિષ્ઠાવાન હેતુ સાથે જોડાય છે ત્યારે અસાધારણ પરિણામો મળી શકે છે.” ભારતમાં મુંબઈ, હૈદરાબાદ, રાયપુર, સુરત અને પુણે જેવા મોટા શહેરો સહિત અનેક ગ્રામીણ વિસ્તારોમાં આ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.
ઇસ્માઈલી કાઉન્સિલના પ્રમુખ આસિફ પોરબંદરવાલાએ કહ્યું હતું કે, “વૃક્ષારોપણ એ પર્યાવરણના પુનઃસંગ્રહ સાથે ભવિષ્ય માટેનું રોકાણ છે. તમામ વયના સ્વયંસેવકોનું આ સહિયારું કાર્ય આગામી પેઢીઓ માટે એક વિરાસત સમાન છે.” આ પહેલની સફળતામાં માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવેતર પછીની જાળવણી અને દેખરેખ પણ મહત્વની રહી છે. સ્વયંસેવકોએ ૩,૬૦૦ થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈને પર્યાવરણીય જાગૃતિનું નિર્માણ કર્યું હતું. આ સિવાય, ફેસ્ટિવલ દરમિયાન ૧૦૦% પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ અને ૬૦,000 પ્લાસ્ટિક બોટલોના વપરાશને અટકાવીને ટકાઉપણાના ધોરણો સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ શિયા ઇસ્માઈલી મુસ્લિમ સમુદાયના સેવા, શાંતિ અને પર્યાવરણ પ્રત્યેના ઊંડા મૂલ્યોનું પ્રતિબિંબ પાડે છે.