Loading Please Wait !!!
ઉદય કાનગડે આંગણવાડી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

  • 280થી વધુ બહેનોને સાડીની ભેટ આપી સન્માન અને સશક્તિકરણનો સંદેશ આપ્યો
  • બહેનોની મહેનત અને સેવાભાવનું સન્માન; રમેશ ટીલાળાએ ઉદય કાનગડના પ્રયાસને બિરદાવ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા અને વિધાનસભા-૬૮ ભાજપ પરિવાર દ્વારા રણછોડનગર કોમ્યુનિટી હોલ, કડવા ભનુ રોડ ખાતે આંગણવાડી બહેનો સાથે રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડીની બહેનોએ ધારાસભ્ય ઉદય કાનગડને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેના પ્રતિભાવરૂપે ઉદય કાનગડ દ્વારા ૨૮૦થી વધુ આંગણવાડી બહેનોને રક્ષાબંધનની ભેટરૂપે સાડી અર્પણ કરવામાં આવી હતી. ઉદય કાનગડે જણાવ્યું હતું કે રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ બહેનો પ્રત્યે સન્માન, સુરક્ષા, વિશ્વાસ અને જવાબદારીના સંકલ્પને વધુ મજબૂત કરવાનો પાવન અવસર છે.

આંગણવાડીની બહેનો સમાજના પાયાના સ્તરે રહીને માતા અને બાળકોના પોષણ, આરોગ્ય તથા સંસ્કાર સાથે જોડાયેલું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે, સમાજના ભાવિ નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે. રક્ષાબંધનના પર્વની ઉજવણીનો હેતુ માત્ર તહેવાર પૂરતો મર્યાદિત ન રાખી આંગણવાડી બહેનોની મહેનત, સેવાભાવ અને સમાજ પ્રત્યેના યોગદાનને સન્માન આપવાનો હોવાનું ઉદય કાનગડે જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત તમામ બહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે રક્ષાબંધન પ્રેમ, લાગણી અને ભાઈ-બહેનના અટૂટ વિશ્વાસનો પવિત્ર તહેવાર છે,

આંગણવાડી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવાનો અવસર મળ્યો તે આનંદની વાત છે. તેમણે સમાજમાં વિકાસમાં બહેનોના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવી ઉદય કાનગડના આ પ્રયાસને બિરદાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવેએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિને હંમેશા સન્માન આપવામાં આવ્યું છે. આંગણવાડી બહેનો બાળકો અને પરિવારોના કલ્યાણ માટે પાયાના સ્તરે મહત્વપૂર્ણ સેવા આપી રહી છે. રક્ષાબંધનના પર્વને સમાજની સેવા સાથે જોડાયેલી બહેનોના સન્માન અને આભીયતા સાથે ઉજવવાનો પ્રયાસ ભાજપના સંસ્કાર અને સંવેદનશીલતાને ઉજાગર કરે છે.

કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય રમેશ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલિત વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન જીમાણીયા, અશ્વિન મોલીયા, સોમાભાઈ ભાલીયા, ભાર્ગવ મિયાત્રા, મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ સહિતના ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, મહિલા મોરચાના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સ્વાગત પ્રવચન વલ્લભભાઈ દુધાત્રાએ કર્યું હતું, જ્યારે સંચાલન લીનાબેન રાવલે કર્યું હતું.