ઉદયભાઈ ડિમોલિશન બિલ પર બોલ્યા દીકરીઓના એડમિશન પર ‘માઈનોર’ તો બોલો!
ધોળકિયા સ્કૂલમાં એડમિશન છતાં પ્રવેશ નહીં
દીકરીઓ 25 દિવસથી તડપી રહી છે ભણતર માટે ઉદયભાઈ મૌન શા માટે ?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં ડિમોલિશન બિલ મુદ્દે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ચોખવટ કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ શહેરની ચાર દીકરીઓના ભવિષ્યનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. ધોળકિયા સ્કૂલમાં આરટીઈ હેઠળ એડમિશન મંજૂર થઈ ચૂક્યા હોવા છતાં હજુ સુધી પ્રવેશ આપવામાં આવ્યો નથી, જે સમગ્ર શિક્ષણ તંત્ર પર સવાલો ઉભા કરે છે. વાલીઓનો આક્ષેપ છે કે એક તરફ કૌભાંડ જેવા મુદ્દાઓ પર તાત્કાલિક નિવેદન આપવામાં આવે છે, જ્યારે દીકરીઓના શિક્ષણ જેવા સંવેદનશીલ મુદ્દે કોઈ સ્પષ્ટ કાર્યવાહી જોવા મળતી નથી. હાલ પરિસ્થિતિ એવી છે કે વાલીઓ કરતા નાની દીકરીઓનું ભણતર વધુ અસરગ્રસ્ત બની રહ્યું છે અને તેમનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમનું કહેવું છે કે જો અધિકારીઓની ભૂલ સામે અવાજ ઉઠાવી શકાય છે, તો આ દીકરીઓના પ્રશ્ને પણ સ્પષ્ટ પગલાં લેવા જોઈએ. "લોકોના પૈસા સાથે જોડાયેલા મુદ્દે બોલવામાં આવે છે, તો દીકરીઓના ભવિષ્ય માટે બે શબ્દ કેમ નહીં?" એવો સવાલ જનતા ઉઠાવી રહી છે. હવે માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક આ ચારેય દીકરીઓને પ્રવેશ આપવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી શિક્ષણનો અધિકાર માત્ર કાગળો સુધી સીમિત ન રહે.
- ઉદય કાનગડે મીડિયાને જણાવ્યું આટલું મોટું ડિમોલિશન ખર્ચ થયો સ્વાભાવિક છે નાની-મોટી ગેરરીતિ થઈ હોય તો તપાસ કરાવશું
- RMC બિલ કૌભાંડમાં ધારાસભ્યે કહ્યું ‘માઈનોર’ છે!
- ભાજપને છાંટા ન ઉડે એટલે ધારાસભ્ય જાહેરમાં મેદાનમાં આવ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ડિમોલિશન બિલ કાંડને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડે મીડિયા સામે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, “જો અધિકારીઓ દ્વારા કોઈ ભૂલ થઈ હશે તો તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.” જોકે, તેમણે આ મામલે “માઈનોર” ગણાવતાં વધુ વિવાદ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે, “આટલું મોટું ડિમોલિશન હોય તો ખર્ચો થવો સ્વાભાવિક છે, અને નાની મોટી ગેરરીતિ થઈ હોય તો તેની તપાસ કરવામાં આવશે. આ નિવેદન બાદ ઘણા લોકોનો સવાલ છે કે શું હવે મોટા કૌભાંડો પણ “માઈનોર” ગણાવાશે?
- RTE કાયદો-કાગળ પર જ DEO અને ધારાસભ્યો પણ ચૂપ
- રાજકોટની 4 દીકરીઓને ધોળકિયા સ્કૂલે હજુ એડમિશન નથી આપ્યું
- રાજકોટમાં અધિકાર ખતમ; શહેરમાં ધોળકિયા સરકાર સર્વેસર્વા
રાજકોટ શહેરની ધોળકિયા સ્કૂલમાં આરટીઈ હેઠળ પ્રવેશ મુદ્દે શરમજનક બેદરકારી સામે આવી છે. ૮ જૂનથી શાળાઓ શરૂ થઈ ગઈ હોવા છતાં આજે ૩૦ જૂન સુધી ચાર દીકરીઓને એડમિશન મળ્યું નથી, જેના કારણે તેમના ભણતર સાથે બુલ્લેઆમ રમત રમાઈ રહી છે. મળતી માહિતી મુજબ જિલ્લા શિક્ષણાધિકારી અને સ્કૂલ સંચાલકો વચ્ચે જવાબદારી ઠાલવવાની જો-જો ચાલી રહી છે, પરંતુ આ ગેરવાજબી હોઈ નિર્દોષ દીકરીઓ બની રહી છે. એક તરફ સરકાર આરટીઈ કાયદાની વાત કરે છે, તો બીજી તરફ જમીન પર તેનો અમલ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્યની ચૂપી વધુ પ્રશ્નો ઉભા કરી રહી છે. પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં દીકરીઓના ભવિષ્ય અંગે અવાજ ઉઠાવવામાં કોઈ રસ ન દેખાતાં વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વાલીઓનો સવાલ છે કે શું એક ફોન કરવો પણ હવે ભારે પડી રહ્યો છે? હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે શિક્ષણનો અધિકાર કાગળો પર જ સીમિત રહી ગયો છે, જ્યારે વાસ્તવમાં દીકરીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે.