Loading Please Wait !!!
પરસોત્તમ માસ નિમિત્તે વૈશાલી જયેશભાઈ સિંધવના નિવાસસ્થાને ભક્તિમય ઉજવણી

સિટી ન્યૂઝ@રાજકોટ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવતા પરસોત્તમ માસ નિમિત્તે વૈશાલી જયેશભાઈ સિંધવના નિવાસસ્થાને ભક્તિ અને શ્રદ્ધાભેર ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કૃષ્ણભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો અને ભજન-કીર્તનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ, ગોપીઓ તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોપીઓ દ્વારા પરંપરાગત ભજન-કીર્તન અને કૃષ્ણલીલાના ગાન સાથે ભગવાન શ્રીકૃષ્ણને લાડ લડાવવામાં આવ્યા હતા. આંબુડા જાંબુડા જેવા લોકપ્રિય કીર્તનો સાથે ઉપસ્થિત ભક્તો ભક્તિરસમાં તરબોળ બની ગયા હતા. ભજન દરમિયાન ગોપીઓએ તાળીઓના તાલ સાથે હરિભક્તિનો અનોખો રંગ જામ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. પરસોત્તમ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, પૂજા, જપ-તપ અને સત્સંગનું વિશેષ મહત્વ રહેતું હોય છે. આ પાવન માસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તજનોને આધ્યાત્મિક શાંતિ અને આનંદની અનુભૂતિ થઈ હતી. ઉપસ્થિત સૌએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજક પરિવાર તથા સેવાભાવી બહેનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તિમય માહોલ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો