Loading Please Wait !!!
વીરપુરના થોરાળા ગામનો મુખ્ય માર્ગ ખાડામાં, ગ્રામજનો પરેશાન

 

સિટી ન્યૂઝ@ગૌરવ ગાજીપરા - વીરપુર

જેતપુર તાલુકાના વીરપુર પાસે આવેલા થોરાળા ગામને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. નેશનલ હાઈવેથી થોરાળા ગામ તરફ જતો આ માર્ગ છેલ્લા ૯ વર્ષથી સમારકામની રાહ જોઈ રહ્યો છે. રસ્તા પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને કાંકરીઓ બહાર આવી જતાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે.

માર્ગની દયનીય સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને રોજિંદા અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, દર્દીઓને ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડવા માટે પણ આ ખરાબ રસ્તો મોટી અડચણ બની રહ્યો છે. ચોમાસું નજીક આવતું હોવાથી માર્ગની સ્થિતિ વધુ જોખમી બનવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં અત્યાર સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

માર્ગ અને પંચાયત વિભાગની કચેરીમાંથી મળતી માહિતી મુજબ, માર્ગના સમારકામ માટે વર્ક ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો છે અને એજન્સીને કામ પણ સોંપી દેવાયું છે. જોકે, હાલમાં ડામરની અછતને કારણે કામ અટક્યું છે. વિભાગે ખાતરી આપી છે કે સામગ્રી ઉપલબ્ધ થતાં જ કામગીરી શરૂ કરવામાં આવશે અને ચોમાસા પહેલા રોડનું સમારકામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.