વીરપુર ST બસ સ્ટેન્ડમાં ઘોર અંધારપટથી યાત્રાળુઓ પરેશાન
» માત્ર દુકાનોમાં જ લાઈટ
» અસહ્ય ગરમી અને મચ્છરોના ત્રાસ વચ્ચે મુસાફરો માટે પરિસ્થિતિ કપરી બની
» અંધારાને કારણે ચોરી અને સુરક્ષા અંગે યાત્રાળુઓએ વ્યક્ત કરી ગંભીર ચિંતા
સિટી ન્યૂઝ@ભાગ્યેશ ડોબરીયા-વીરપુર
વિશ્વવિખ્યાત યાત્રાધામ અને પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ વીરપુર ખાતે આવેલા એસટી (ST) બસ સ્ટેન્ડમાં મૂળભૂત સુવિધાઓના અભાવે યાત્રાળુઓ અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ આધુનિક બસ સ્ટેન્ડ પરિસરમાં રાત્રિના સમયે વારંવાર લાઈટો અને પંખાઓ બંધ થઈ જતા સમગ્ર વિસ્તારમાં ઘોર અંધારપટ છવાઈ જાય છે.
દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જલારામ બાપાના દર્શનાર્થે વીરપુર આવે છે, જેમાંથી મોટાભાગના લોકો પરિવહન માટે એસટી બસ સેવાનો ઉપયોગ કરે છે. હાલમાં ઉનાળાની આકરી અને અસહ્ય ગરમી પડી રહી છે, તેવા સમયે પંખાઓ બંધ રહેતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એક તરફ ગરમીનો બફારો અને બીજી તરફ મચ્છરોના અસહ્ય ત્રાસને કારણે બસની રાહ જોતા લોકો માટે પરિસ્થિતિ અત્યંત કપરી બની જાય છે.
બસ સ્ટેન્ડ પરિસરમાં પ્રકાશના અભાવે રાત્રિના સમયે મુસાફરોને પાણીના પરબ સુધી પહોંચવા તેમજ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો ઉપયોગ કરવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો માટે સુરક્ષાની ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. ઘોર અંધારાના કારણે મુસાફરો આ ગલ્લાસાગાનની ચોરી કે અન્ય અનિચ્છનીય બનાવો બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. યાત્રિકો અર્ચના વ્યાસ અને પ્રાંજલે પણ આ અસુવિધાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
યાત્રાધામ જેવા મહત્વના સ્થળે આવી કથળેલી સ્થિતિ એસટી તંત્રની કામગીરી અને જાળવણી સામે અનેક સવાલો ઊભા કરી રહી છે. સ્થાનિક નાગરિકો, યાત્રાળુઓ અને મુસાફરોએ સંબંધિત એસટી વિભાગ અને ઉચ્ચ તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે કે બસ સ્ટેન્ડ ખાતે વારંવાર સર્જાતી આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. લાઈટો, પંખાઓ તથા અન્ય જરૂરી સુવિધાઓ નિયમિત ધોરણે કાર્યરત રાખવા માટે અસરકારક અને કાયમી પગલાં ભરવાની માંગ ઉઠી છે.
=> ધોરાજીમાં સગીરાને બદકામના ઈરાદે ઘરમાં બોલાવી તાબે ન થતા પહેલા માળેથી ફેંકી દીધી
ધોરાજી: બહારપુરા વિસ્તારમાં ૨૭ વર્ષીય મોઈન નાસીર ચૌહાણે બદકામના ઈરાદે સગીરાને ઘરમાં ખેંચી લઈ દરવાજો બંધ કર્યો હતો અને બૂમાબૂમ રોકવા ગોદડામાં ડૂચો મારી દીધો હતો. દીકરી ન દેખાતા માતા-પિતા તેને શોધતા મોઈનના ઘર તરફ આવ્યા હતા. પકડાઈ જવાના ડરે મોઈને સગીરાને પહેલા માળેથી નીચે ફેંકી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ ઈજાગ્રસ્ત સગીરાને તાત્કાલિક ધોરાજી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ધોરાજી સિટી પોલીસે જૂનાગઢ પહોંચી સગીરાના પિતાની ફરિયાદ નોંધી હતી. પીઆઈ ભાવેશ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી મોઈન ચૌહાણ સામે હત્યાનો પ્રયાસ (IPC ૩૦૭) અને પોક્સો એક્ટ સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડ્યો છે.