પ્રેમવતી રેસ્ટોરન્ટમાં દુર્ગંધ મારતી સેન્ડવિચ અપાતા વિવાદ
ગ્રાહકે કહ્યું દુર્ગંધ આવે છે, મેનેજરે કહ્યું સુગંધ આવે છે : ગ્રાહક ભડક્યો
BAPS સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટ સામે ગ્રાહકે આક્રોશ ઠાલવી વીડિયો બનાવી વાયરલ કર્યો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રખ્યાત પ્રેમવતી રેસ્ટોરન્ટ ફરી એકવાર વિવાદમાં આવી છે. એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી સેન્ડવિચમાં દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કરી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
ગ્રાહકના જણાવ્યા અનુસાર, સેન્ડવિચ ખોલતાં જ તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. આ બાબતે રેસ્ટોરન્ટના મેનેજરને રજૂઆત કરવામાં આવી, ત્યારે મેનેજરે "આ ટમેટાની સુગંધ છે" એવો જવાબ આપ્યો હતો. જોકે ગ્રાહકે આ દલીલને નકારી કાઢતા કહ્યું કે "આ સુગંધ નહીં પરંતુ સ્પષ્ટ દુર્ગંધ છે."
વીડિયો બનાવનાર વ્યક્તિએ ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું કે, "જો મારો દીકરો આ સેન્ડવિચ ખાઈને બીમાર પડે અને હોસ્પિટલમાં લાખો રૂપિયાનું બિલ થાય તો તેની જવાબદારી કોણ લેશે?" આ નિવેદનથી મામલો વધુ ગરમાયો છે. ગ્રાહકે સમગ્ર ઘટનાની જાણ આરોગ્ય વિભાગને પણ કરી હોવાનું જણાયું છે. પરંતુ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે જો એ જ રેસ્ટોરન્ટમાંથી આરોગ્ય અધિકારીઓ જમવાનું મંગાવતા હોય, તો આવી ફરિયાદ પર નિષ્પક્ષ કાર્યવાહી કોણ કરશે? હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં મળતી ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. હવે આરોગ્ય વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.