Loading Please Wait !!!
વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ઐતિહાસિક સત્તા વાપસી: ભાજપના 8 સામે 15 મતોથી ભવ્ય વિજય

» આઝાદી કાળનો ગુમાવેલો પરંપરાગત ગઢ કોંગ્રેસે ફરી મેળવ્યો; ભાવનાબેન સરવૈયા પ્રમુખ અને ઈરફાન ચૌધરી ઉપપ્રમુખ

સિટી ન્યૂઝ@વાંકાનેર

વાંકાનેર તાલુકા પંચાયતની આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય સત્તા વાપસી કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. આઝાદી બાદથી વાંકાનેર તાલુકા પંચાયત પર સતત કોંગ્રેસનું મજબૂત વર્ચસ્વ અને શાસન ચાલ્યું આવતું હતું. જોકે, ગત ટર્મમાં આ સત્તા ભાજપે આંચકી લેતા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો હતો. પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે બંને પદો પર કોંગ્રેસના ઉમેદવારોનો શાનદાર વિજય થતાં, કોંગ્રેસે પોતાનો ગુમાવેલો ગઢ પાછો મેળવી ફરી એકવાર સત્તાના સૂત્રો સંભાળ્યા છે. ચૂંટણી અધિકારી દ્વારા વિજયની સત્તાવાર જાહેરાત થતાં જ તાલુકા પંચાયત પરિસરમાં એકઠા થયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજય ઉત્સવ મનાવાયો હતો.

આજે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદે કોળી સમાજના દિગ્ગજ નેતા ગોરધનભાઈ સરવૈયાના પત્ની ભાવનાબેન સરવૈયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની સાથે ઉપપ્રમુખ પદે મોમીન સમાજનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના લોકપ્રિય યુવા નેતા ઈરફાન ચૌધરીએ શાનદાર જીત હાંસલ કરી છે. કોંગ્રેસનું આ નવું નેતૃત્વ આગામી સમયમાં વાંકાનેરના વિકાસ કાર્યોને વેગ આપશે તેવો આશાવાદ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી પૂર્વે આંતરિક વિરોધના કેટલાક ગણગણાટ વચ્ચે પણ કોંગ્રેસ સંગઠન સંપૂર્ણપણે એકજૂથ દેખાયું હતું. ચૂંટણીમાં પક્ષવાર સંખ્યાબળ મુજબ જ સચોટ મતદાન જોવા મળ્યું હતું. કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ઉમેદવારોને પક્ષના તમામ ૧૫ મતો મળ્યા હતા. જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા ભાજપના ઉમેદવારોને માત્ર ૮ મતોથી સંતોષ માનવો પડ્યો હતો. આમ, કોંગ્રેસે મજબૂત સરસાઈથી આ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજની આ સમગ્ર પ્રક્રિયામાં એક અપક્ષ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા.