14 વર્ષના ટેણિયાએ બોલેરો દોડાવી બાઈકને ઠોકરે લેતા 25 વર્ષીય યુવકનું મોત
કોણ જવાબદાર ? નિયમોનો ભંગ કે જીવલેણ બેદરકારી ?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની ભાગોળે મવડી - પાળ રોડ ઉપર આજે વાહન માલિકની ગંભીર બેદરકારીના કારણે એક નવયુવાનનો ભોગ લેવાયો હતો. બોલેરો પીકઅપ વાહનના માલિકે પોતાનું બોલેરો વાહન માત્ર 14 વર્ષના સગીરને ચલાવવા માટે આપ્યું હતું. 14 વર્ષના સગીરે બોલેરો પીકઅપ ફૂલ સ્પીડે હંકારી બાઈકને ઠોકરે લીધું હતું અને તેમાં 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક અંકિત વરાણ કાલંભડી ગામનો વતની હતો. હજુ 1 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. અંકિતની ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળ્યું હતું. તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં લાવતા દમ તોડી દીધો હતો. જેનાથી પરિવારમાં શોક છવાયો હતો.
આ અંગે મળતી વિસ્તૃત માહિતી અનુસાર, અંકિતભાઈ મગનભાઈ વરાણ (25, રહે. કાલંભડી, તા.કોટડાસાંગાણી) આજે સવારે 10.30 વાગ્યાં આસપાસ પોતે પાળ - મવડી રોડ ઉપર પોતાનું બાઈક લઈને જતો હતો. ત્યારે પુરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપ વાહને અંકિતને બાઈક સહિત હડફેટે લીધો હતો. અકસ્માતમાં અંકિત ને ગંભીર ઇજા થઈ હતી ને તે સ્થળ ઉપર જ બેભાન થઈ ગયો હતો.108 મારફત અંકિતને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે અંકિતને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા અંકિતના પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. પરિવારજનોએ જણાવ્યું કે, અંકિત 4 બહેન અને 2 ભાઈ ચોથા નંબરનો હતો. તે રાજકોટમાં 150 રીંગ રોડ પર આવેલ સોલાર કંપનીની ઓફિસમાં નોકરી કરતો હતો. આજે સવારે તે પોતાના ઘરે કાલંભડીથી પોતાની ઓફિસે જવા બાઈક પર નીકળ્યો હતો. રસ્તામાં પાળ મવડી રોડ પર ટીલાળા ચોક નજીક પૂરપાટ ઝડપે આવતી બોલેરો પીકઅપ હડફેટે તેમનો અકસ્માત થયો હતો. જેમાં અંકિતનું મોત નીપજ્યું હતું. અકસ્માત થયો ત્યારે સ્થળ પરથી નીકળેલ કોઈ રાહદારીએ વીડિયો ઉતારી લીધો હતો અને બોલેરો માત્ર 14 વર્ષનો સગીર ચલાવતો હોવાનું તે રાહદારીએ જોતા સગીરનો વીડિયો પણ ઉતારી લીધો હતો.જેમાં સગીર સ્વીકારે છે કે તે ક્યારેક ક્યારેક બોલેરો ચલાવે છે. તેમના વાહન માલીકનું નામ નિલેશભાઈ વસોયા હોવાનું પણ જણાવ્યું હતું. સગીરે વાહન માલિકના મોબાઈલ નંબર આપતાં કોઈએ તેમને ફોન કરીને સ્થળ ઉપર બોલાવ્યા હતા. પોલીસે ચાલકની ખરાઈ કરવા તપાસ હાથ ધરી હતી.