અમદાવાદ મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં છઠ્ઠા ક્રમે મજબૂત: AUM માં 19 ટકાનો વધારો
- માર્કેટની અસ્થિરતા વચ્ચે પણ અમદાવાદના રોકાણકારોની ભાગીદારી સ્થિર અને સકારાત્મક
- ટોચના છ માર્કેટમાં સ્થાન જાળવી રાખ્યું, મુંબઈ દેશમાં પ્રથમ ક્રમે યથાવત
- ગયા વર્ષની સરખામણીએ અમદાવાદે પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદે દેશના છઠ્ઠા સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ તરીકે પોતાનું સ્થાન મજબૂત રીતે જાળવી રાખ્યું છે. માર્ચ 2026 ના આંકડા મુજબ, અમદાવાદનું એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (AUM) વાર્ષિક ધોરણે અંદાજે 19 ટકા વધીને રૂ. 202 લાખ કરોડ પર પહોંચ્યું છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 1.8 લાખ કરોડ હતું. બજારમાં સતત રહેલી અસ્થિરતા વચ્ચે પણ અમદાવાદના રોકાણકારોની સક્રિય ભાગીદારી આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. દેશના કુલ મ્યુચ્યુઅલ ફંડ AUM માં અમદાવાદનો હિસ્સો 2.82 ટકા નોંધાયો છે, જે ગયા વર્ષના 2.83 ટકાની સરખામણીએ લગભગ સ્થિર રહ્યો છે.
વર્ષ 2024 ની શરૂઆતમાં અમદાવાદ આ યાદીમાં સાતમા ક્રમે સરકી ગયું હતું, પરંતુ ગત વર્ષે કરેલા મક્કમ દેખાવને કારણે ફરી એકવાર છઠ્ઠા સ્થાન પર પુનરાગમન કરવામાં શહેર સફળ રહ્યું છે. મુંબઈ રૂ. 22.9 લાખ કરોડના AUM સાથે દેશનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ બની રહ્યું છે, જેમાં તેનો હિસ્સો 28.9 ટકા છે. દિલ્હી રૂ. 12.2 લાખ કરોડ સાથે બીજા ક્રમે છે, જ્યારે ત્યારબાદ બેંગલુરુ, પુણે અને કોલકાતાનો સમાવેશ થાય છે. ચેન્નાઈ હવે રૂ. 2.2 લાખ કરોડના AUM સાથે સાતમા સ્થાને સરકી ગયું છે.
આ આંકડા દર્શાવે છે કે અમદાવાદના રોકાણકારો નાણાકીય બજાર પ્રત્યે વધુ જાગૃત થઈ રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના આ વધતા વલણને કારણે શહેરી અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે. અસ્થિર બજાર સ્થિતિ હોવા છતાં, અમદાવાદના રોકાણકારોએ લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે શહેરને રાષ્ટ્રીય સ્તરે ટોચના મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં સ્થાન અપાવવા માટે સહાયરૂપ સાબિત થયું છે.
મ્યુચ્યુઅલ ફંડ બજારનું ચિત્ર અમદાવાદનું AUM વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂ. 202 લાખ કરોડ થયું છે. મુંબઈ 28.9 ટકા હિસ્સા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. અમદાવાદનો દેશના કુલ AUM માં 2.82 ટકા હિસ્સો છે. શહેર સાતમા સ્થાનેથી ફરી છઠ્ઠા સ્થાને આવ્યું છે. બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે, જે આ વૃદ્ધિનો મુખ્ય આધાર છે.