Loading Please Wait !!!
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ પક્ષથી છેડો ફાડ્યાના અહેવાલ!

 

  • ભાજપના શીર્ષ નેતૃત્વને રાજીનામું સોંપ્યાની મીડિયા રિપોર્ટ્સમાં માહિતી સામે આવી છે.

  • એક્સ પ્રોફાઇલ પર પોતાના બાયોમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ યથાવત રાખ્યો છે.

  • ૨૦૦૬ માં એનએસયુઆઈથી રાજકીય સફર શરૂ કરી હોવાનું ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ પાર્ટીથી છેડો ફાડ્યાના અહેવાલો સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેણે ભાજપના શીર્ષ નેતૃત્વને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોતાનું બાયો બદલી નાખીને તેના પરથી ભાજપનો ઉલ્લેખ હટાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે આ રાજીનામું અંગત કારણોસર આપ્યું છે. જો કે આ નિર્ણયને લઈને હજુ સુધી પાર્ટી કે તેમની તરફથી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ એક્સ પર તેમના અપડેટેડ બાયોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

શેહજાદ પૂનાવાલાએ એક્સ પર પોતાના બાયોમાં વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ જાળવી રાખ્યો છે અને ખુદને વડાપ્રધાન મોદીના આજીવન અનુયાયી જણાવ્યા છે. તેમનું પૂરું બાયો ધર્મ ઇસ્લામ, સંસ્કૃતિ-હિન્દુ વિચારધારા-ભારતીય, લેખક: જીએસટી કી યાત્રા અને વડાપ્રધાન મોદીના આજીવન અનુયાયી તરીકે દર્શાવવામાં આવ્યું છે. અગાઉ તેઓ ૨૦૧૭ માં કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા અને પાર્ટીમાં રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે મોટી જવાબદારી સંભાળી રહ્યા હતા. કોંગ્રેસ છોડતી વખતે તેમણે અધ્યક્ષ પદની ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા હતા.

આ દરમિયાન શેહજાદ પૂનાવાલાએ તાજેતરમાં એક પૉડકાસ્ટમાં રાજકારણમાં પોતાના પ્રવાસને લઈને કેટલાક સંકેત આપ્યા હતા. તેમણે એક્સ પર આ ઇન્ટરવ્યુના અંશ શેર કરતા જણાવ્યું હતું કે ૨૦૨૪ ની ચૂંટણીઓ પછી તેઓ રાજકારણમાંથી સંન્યાસ લેવાના વિષયમાં વિચારી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સક્રિય રાજકારણમાં તેમને ૧૮-૧૯ વર્ષ થઈ ગયા છે અને તેમણે ૨૦૦૬ માં જ એનએસયુઆઈ (NSUI) જોઇન કર્યું હતું. ઓછી ઉંમર હોવા છતાં સક્રિય રાજકારણમાં લાંબો સમય થઈ ગયો હોવાની વાત તેમણે સ્વીકારી હતી.

૨૦૨૪ ની ચૂંટણીઓ પછી પણ તેઓ કેમ રોકાયા તે અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું હતું કે જ્યારે મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે અલગ થવાનો વિચાર કર્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર મોદીના ચહેરા પરના ભાવ જોઈને તેમણે આગામી એક-બે વર્ષ સુધી મહત્વની ચૂંટણીઓમાં તાકાત લગાવીને કામ કરવાનું નક્કી કર્યું હતું. સક્રિય રાજકારણ અને પદોની દોડથી દૂર થવા અંગેના તેમના આ જૂના નિવેદનો હાલના રાજીનામાની ચર્ચા સાથે જોડાઈ રહ્યા છે.

આ સમગ્રઘટનાક્રમ વચ્ચે રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના એક ચહેરા તરીકે જાણીતા પ્રવક્તાના આ પગલાથી આગામી સમયમાં રાજકીય સમીકરણો પર શું અસર પડશે તે વિશે વિશ્લેષકો નજર રાખી રહ્યા છે. પાર્ટી દ્વારા હજુ સુધી આ બાબતે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે આ મામલો અત્યારે ચર્ચાના કેન્દ્રમાં રહેલો છે.