Loading Please Wait !!!
મુંબઈ નજીક ભિવંડીમાં 4 માળની રિહાઇશી ઇમારત ધારાશાયી: ભીષણ અકસ્માતમાં 6 લોકોના મોત!

 

  • મુંબઈ નજીક ભિવંડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે આ હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી.

  • કોન્ટ્રાક્ટર અને મજૂરો દ્વારા ઇમારતના 3 પિલર તોડી નાખવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે.

  • પિલર તૂટવાથી ઇમારતની પાયાની મજબૂતાઈ જોખમાઈ જતાં તે જમીનદોસ્ત થઈ ગઈ.

સિટી ન્યુઝ @ ભિવંડી

ભિવંડી, મુંબઈ નજીક ભિવંડી વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે, જ્યાં 'કોહિનુર' નામની ૪ માળની રિહાઇશી ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ૬ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ ૬ થી ૭ લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને એનડીઆરએફ, ભિવંડી પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તથા મ્યુનિસિપલ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોકલેન મશીનો અને આધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ જૂની ઇમારતમાં છેલ્લા કેટલાક દિવસોથી રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું અને કામ દરમિયાન કોન્ટ્રાક્ટર તથા મજૂરો દ્વારા ઇમારતના ૩ પિલર તોડી નાખવામાં આવ્યા હતા. પિલર તૂટવાના કારણે ઇમારતની પાયાની મજબૂતાઈ જોખમાઈ ગઈ અને તે પોતાનું સંતુલન ગુમાવીને સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી. રાહતની વાત એ રહી કે ઇમારત ધરાશાયી થતા પહેલા વિચિત્ર અવાજો આવતા મોટાભાગના રહેવાસીઓ સમયસૂચકતા વાપરીને સમયસર બહાર ભાગી છૂટ્યા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. તેમ છતાં, પહેલી માળ પર રહેલા કેટલાક લોકો અને મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલુ છે.

મકાન સુરક્ષા

જૂની ઇમારતોના રિપેરિંગ કે માળખાકીય ફેરફાર કરતી વખતે એન્જિનિયરિંગ માર્ગદર્શિકા અને સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવું માનવજીવનની સુરક્ષા માટે અનિવાર્ય છે.