નવી મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં માત્ર બે વાંદા મળતા લાઇસન્સ સસ્પેન્ડ કરવા સામે બોમ્બે હાઈકોર્ટની લાલઆંખ!
-
તપાસ દરમિયાન રસોડામાં જીવાત મળી આવતા એફડીએ દ્વારા આ કાર્યવાહી કરાઈ હતી.
-
ખાદ્ય સલામતી સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે તેવી એફડીએ દ્વારા દલીલ કરવામાં આવી.
-
એક્ટિંગ ચીફ જસ્ટિસ રવિન્દ્ર ધુગે અને જસ્ટિસ ગૌતમ અંખડની બેન્ચે આદેશ રદ કર્યો.
સિટી ન્યુઝ @ મુંબઈ
મુંબઈ, નવી મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં તપાસ દરમિયાન માત્ર બે વાંદા મળી આવવાના કારણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું, જેને રદ કરતા બોમ્બે હાઈકોર્ટે FDAને આકરી ફટકાર લગાવી છે. હાઈકોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે વાસ્તવિકતામાં જીવો, આપણે ભારતમાં છીએ અને માત્ર બે વાંદા મળી આવતાં ફાઈવ સ્ટાર હોટેલનું લાઈસન્સ સસ્પેન્ડ ન કરી શકાય. સ્વચ્છતા અને કામગીરીના એકંદર અહેવાલ સામે માત્ર બે વાંદાની હાજરીને લીધે લાઈસન્સ સસ્પેન્ડ રાખવું યોગ્ય નથી અને આપણે વાસ્તવિક અભિગમ કેળવવો પડશે.
FDAએ કોર્ટ સમક્ષ પક્ષ રજૂ કરતા કહ્યું હતું કે હોટલમાં તપાસ વખતે ૯૫ ટકા નિયમોની પૂર્તિ જણાઈ હતી પરંતુ રસોડામાં જીવાત મળી આવી હોવાથી ખાદ્ય સલામતીમાં બાંધછોડ ન થઈ શકે. જોકે, એક્ટિંગ ચીફ જસ્ટિસ રવિન્દ્ર ધુગે અને જસ્ટિસ ગૌતમ અંખડની બેન્ચે આ દલીલ ફગાવી દીધી હતી અને મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ગયા સપ્તાહે તેમના ટેબલ પર પણ વાંદો ફરતો હતો. કોર્ટે સસ્પેન્શનનો આદેશ રદ કરી હોટલનું લાઈસન્સ તાત્કાલિક પૂર્વવત કરવાનો આદેશ આપ્યો હતો અને આવા પગલાં લેતા પહેલા સુધારા નોટિસ આપવા સૂચના આપી હતી.