ઈથેનોલ મિશ્રિત ઈ-૨૦ પેટ્રોલ સુરક્ષિત: એન્જિનને નુકસાન થવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી!
-
નીટ પેપર લીક અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે નવો વિવાદ સામે આવ્યો છે.
-
આમ આદમી પાર્ટી અને ટેક્સી યુનિયનો દ્વારા ચાર ઓગસ્ટે દેખાવોનું આયોજન કરાયું છે.
-
દેશની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, નીટ પેપર લીકના વિરોધમાં જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના દેખાવો અને ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપવાની ફરજ પડયા બાદ હવે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે નવો પડકાર ઊભો થયો છે. આમ આદમી પાર્ટી, ટેક્સી યુનિયનો સહિત અન્ય સંગઠનો ચાર ઓગસ્ટે દેખાવોની તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર ડિફેન્સ મોડમાં આવી ગઈ છે. સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, ઈથેનોલ મિશ્રિત ઈ-૨૦ પેટ્રોલ એકદમ સુરક્ષિત છે અને તેનાથી એન્જિનને નુકસાન થતુ હોવાના કોઈ વૈજ્ઞાાનિક પુરાવા નથી.
કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું કે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમનો અમલ વ્યાપક પરીક્ષણો પછી કરાયો છે, જેમાં એન્જિનમાં ખામી કે કાટ લાગવા જેવી કોઈ મુશ્કેલીઓ જોવા મળી નથી. દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને વૈશ્વિક ક્રૂડ ઓઈલ પ્રાઈસમાં ઉતાર-ચઢાવથી રાહત આપવા આ કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઈ-૧૫ પ્લસ અને અઢી વર્ષથી ઈ-૨૦ મિશ્રિત પેટ્રોલનો દેશભરમાં વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે અને ૨૦ કરોડથી વધુ ટુ-વ્હિલર તથા ૩ કરોડથી વધુ કારો આ ઈંધણ પર ચાલી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં અગ્રણી વાહન ઉત્પાદકો દ્વારા સર્વિસિંગ કરાયેલા વાહનોની તપાસમાં પણ એન્જિનને નુકસાન કે કાટ લાગવાની કોઈ સમસ્યા સામે આવી નથી. ગડકરીએ સ્પષ્ટ કર્યું કે ઈ-૨૦ પેટ્રોલ શરૂ કરતા પહેલા ઈંધણ સિસ્ટમ અને એન્જિનની મજબૂતી જેવા તમામ પાસાઓનું ટેસ્ટિંગ કરાયું હતું. જો કે, ઈ-૧૦ માટે ડિઝાઈન કરાયેલા કેટલાક જૂના વાહનોમાં માઈલેજ અંદાજે બેથી છ ટકા ઘટી શકે છે અને હાલ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સમગ્ર દેશમાં ઈ-૨૦ પેટ્રોલ જ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્ય મંત્રી ગોપી સુરેશે જણાવ્યું કે આ કાર્યક્રમ વૈજ્ઞાાનિક તપાસ અને નીતિ આયોગની મંજૂરી પછી લાગુ કરાયો છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ઓટોમોબાઈલ કંપનીઓ, ઓટો પાર્ટ્સ નિર્માતા, સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને ઈથેનોલ ઉત્પાદકો સહિતના તમામ સંબંધિત પક્ષોને સામેલ કરવામાં આવ્યા હતા. સરકારના આ વલણથી આગામી સમયમાં વિરોધ પ્રદર્શનો સામે નીતિગત સ્પષ્ટતા કરવામાં મદદ મળશે.
આ તમામ વિવાદો વચ્ચે રાજકીય અને સામાજિક સંગઠનો દ્વારા આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવી રહી છે. સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અને વૈજ્ઞાનિક તથ્યો દ્વારા ગ્રાહકોની શંકાઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં આ મુદ્દો દેશભરમાં વધુ ચર્ચાનો વિષય બનવાની સંભાવના છે.