Loading Please Wait !!!
મોંઘવારીનો માર: ખરીદી માટે લોન લેવાનો ટ્રેન્ડ નવી ટોચે

  • કન્ઝયુમર ડ્યુરેબલ લોનનો આંકડો ૧.૧૯ લાખ કરોડના રેકોર્ડ સ્તરે
  • માસિક હપ્તાના બોજ ઘટાડવા લોન ચૂકવવાનો સમયગાળો ૨ વર્ષ સુધી લંબાવાયો
  • સ્માર્ટફોન અને મોટા ઉપકરણોના વેચાણમાં ફાઇનાન્સિંગનો હિસ્સો ૪૦ ટકા થયો

સિટી ન્યુઝ @ રાજકોટ

દેશમાં આર્થિક અનિશ્ચિતતા અને જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં થયેલા ભારે ઉછાળાને કારણે ગ્રાહકો હવે ખરીદી માટે લોનનો વધુ આશરો લઈ રહ્યા છે. જૂન ક્વાર્ટરમાં કન્ઝયુમર ફાઇનાન્સિંગનો આંકડો નવા સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. છેલ્લાં છ મહિનામાં સ્માર્ટફોન, ટીવી અને એર-કંડિશનર જેવી વસ્તુઓના ભાવમાં ૧૨ થી ૪૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોનું બજેટ ખોરવાઈ ગયું છે. પશ્ચિમ એશિયાની કટોકટી અને કાચા માલના ભાવ વધારાની સીધી અસર હવે સામાન્ય ગ્રાહકના ખિસ્સા પર પડી રહી છે.

ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની 'ઇક્વિફેક્સ ઇન્ડિયા' ના ડેટા મુજબ, કન્ઝયુમર ડ્યુરેબલ લોનનો આંકડો મે મહિના સુધીમાં ૯.૨ ટકા વધીને રૂ. ૧.૧૯ લાખ કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે, જે માર્ચમાં રૂ. ૧.૦૯ લાખ કરોડ હતો. આરબીઆઈના આંકડા મુજબ, મધ્યમ અને મોટા સ્તરની એનબીએફસી દ્વારા અપાતી લોનમાં વાર્ષિક ધોરણે ૪૨ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, હવે નાના શહેરો અને ગામડાઓમાં પણ કન્ઝયુમર ફાઇનાન્સનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે.

ગ્રાહકોને રાહત આપવા માટે કંપનીઓએ હવે લોન ચૂકવવાનો સમયગાળો (ટેન્યોર) સરેરાશ ૩ મહિના જેટલો વધારી દીધો છે. સ્માર્ટફોન માટે લોન ૧૨ મહિનાથી વધારીને ૧૫ મહિના અને મોટા ઉપકરણો માટે ૧૮ મહિનાથી વધારીને ૨૪ મહિના કરી દેવામાં આવી છે. મોબાઈલ રિટેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, રોકડા પૈસા આપવાને બદલે લોકો લોન પર ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જોકે, આ વધતા ટ્રેન્ડ વચ્ચે એનબીએફસી કંપનીઓએ લોન આપવાના નિયમો કડક કર્યા હોવાથી ગ્રાહકોની લોન રિજેક્ટ થવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

વધતી લોન અને બદલાતા આંકડા

કન્ઝયુમર ફાઇનાન્સિંગ ક્ષેત્રે આવેલી તેજીના મુખ્ય આંકડાઓ મુજબ, કુલ સ્માર્ટફોન વેચાણમાં ફાઇનાન્સિંગનો હિસ્સો ગયા વર્ષના ૩૫ ટકાથી વધીને આ વર્ષે ૪૦ ટકા થઈ ગયો છે. ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં વાર્ષિક ૨૦-૨૩ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. બજાજ ફાઇનાન્સ જેવી મોટી એનબીએફસીએ જૂન ક્વાર્ટરમાં ૧.૬૪ કરોડ લોન મંજૂર કરીને તહેવારોના ગાળા કરતા પણ મોટો વિક્રમ સ્થાપ્યો છે.