ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ બન્યો 'હેવાન': સુરતમાં ઓપન હાર્ટ સર્જરી થયેલા ૬ વર્ષના માસૂમને સોટીથી માર માર્યો!
-
કપડાં બદલતા વાંસા પર સોટીના કાળામેશ નિશાન અને થીજી ગયેલું લોહી જોઈ માતા સ્તબ્ધ!
-
ઉધનાની શાળામાં બાળવાટિકાના માસૂમ વિદ્યાર્થી પર શિક્ષકની અત્યાચારી અને અમાનુષી કાર્યવાહી!
-
ખેંચ-તણાવની બીમારી ધરાવતા અને ધીમા માનસિક વિકાસવાળા બાળક પર ક્રૂરતા આચરતા રોષ!
સિટી ન્યુઝ @ સુરત
સુરત, સુરતના ઉધના સ્થિત ભાઠેના વિસ્તારની ખુદીરામ બોઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક ૪૨ માં એક અત્યંત શરમજનક અને કરુણ ઘટના સામે આવી છે. અહીં બાળવાટિકામાં અભ્યાસ કરતા ૬ વર્ષના માસૂમ બાળકને વર્ગખંડના શિક્ષકે અમાનુષી રીતે સોટી વડે ઢોર માર માર્યો છે. આ માસૂમ બાળકની ભૂતકાળમાં ઓપન હાર્ટ સર્જરી થયેલી છે અને તેને ખેંચ-તણાવની બીમારી હોવાથી તેનો માનસિક વિકાસ અન્ય બાળકો કરતાં ધીમો છે. બાળકની આ સ્થિતિ અંગે પરિવારજનોએ શાળાના આચાર્ય અને શિક્ષકોને પહેલેથી જ જાણ કરી હોવા છતાં, શિક્ષકે બાળક પર જરાય દયા દાખવ્યા વગર તેને સોટીથી કૂરતાપૂર્વક ફટકાર્યો હતો, જેના કારણે તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન પડી ગયા છે.
ઘરે પહોંચ્યા બાદ જ્યારે બાળકના કપડાં બદલવામાં આવ્યા ત્યારે પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બાળકની પીઠ, વાંસો, છાતીનો આગળનો ભાગ અને ગળાના પાછળના ભાગે સોટીના કાળામેશ નિશાન પડી ગયા હતા અને ચામડી પર લોહી થીજી ગયું હતું. માસૂમ બે કલાક સુધી સતત દર્દથી તરફડતો રહેતા પરિવારે તેને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સ્થિતિ જોઈને તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આક્રોશિત પરિવારે શાળાએ પહોંચી વિરોધ નોંધાવ્યો ત્યારે આચાર્યએ અત્યંત બેજવાબદાર અને ઉડાવ જવાબ આપ્યો હતો કે શિક્ષકો રજા પર છે અને કાલે આવજો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાના જણાવ્યા અનુસાર, મૂળ શિક્ષક ટ્રેનિંગમાં હોવાથી સાથી શિક્ષક વર્ગખંડ સંભાળતા હતા અને બાળક વારંવાર બીજા રૂમમાં જતો હોવાથી ઉશ્કેરાયેલા શિક્ષકે આ અમાનુષી કૃત્ય કર્યું હતું. શિક્ષણ સમિતિ દ્વારા આ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ દોષિત શિક્ષક સામે કાયદેસરના કડક પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા
શાળા જેવા પવિત્ર સ્થળોએ બાળકોની શારીરિક અને માનસિક સલામતી સુનિશ્ચિત કરવી એ શૈક્ષણિક તંત્ર અને શિક્ષકોની સર્વોચ્ચ નૈતિક જવાબદારી છે.