સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં મતોનો દુકાળ: 37 ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ
- વોર્ડ નંબર 8 અને 11 માં સૌથી વધુ ઉમેદવારો પરાસ્ત; વિજેતા થવા નીકળેલા નેતાઓની શાખ ધોવાઈ
- સુરેન્દ્રનગરના ચૂંટણી રણમેદાનમાં રકાસ: 136 માંથી 37 ઉમેદવારો ડિપોઝીટ પણ ન બચાવી શક્યા
- કુલ મતદાનનો છઠ્ઠો ભાગ મેળવવામાં નિષ્ફળ; હાર બાદ હવે ઉમેદવારોને લોકોના મેણા સાંભળવા પડશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે હાર-જીતના આંકડાકીય વિશ્લેષણો શરૂ થયા છે. આ ચૂંટણીમાં ભાજપના વિજેતા સભ્યો હવે હોદ્દા મેળવવા માટે લોબિંગમાં વ્યસ્ત છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પરાજયના કારણો શોધવા મનમંથન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ચૂંટણી લડનારા કુલ 136 ઉમેદવારોમાંથી 37 ઉમેદવારો એવા છે જેમની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ છે. એટલે કે, જનતાએ તેમને વોર્ડમાં પડેલા કુલ મતોનો છઠ્ઠો ભાગ પણ આપ્યો નથી.
મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષો સહિત કુલ 136 ઉમેદવારોએ નસીબ અજમાવ્યું હતું. ચૂંટણી પંચના નિયમ મુજબ, ફોર્મ ભરતી વખતે પુરુષ ઉમેદવારોએ 3000 રૂપિયા અને મહિલા ઉમેદવારોએ 1500 રૂપિયા ડિપોઝીટ તરીકે જમા કરાવ્યા હતા. જોકે, પરિણામો જાહેર થતા 37 ઉમેદવારો આ રકમ પરત મેળવવા માટે જરૂરી ન્યૂનતમ મતો મેળવી શક્યા નથી. જો વોર્ડ મુજબ વાત કરીએ તો વોર્ડ નંબર 8 અને 11 માં સૌથી વધુ 6-6 ઉમેદવારોની ડિપોઝીટ ગઈ છે, જ્યારે વોર્ડ નંબર 7 માં તમામ ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવવામાં સફળ રહ્યા છે.
ડિપોઝીટ ડૂલ થવાના ગણિત અંગે જાણકારો કહે છે કે, વોર્ડમાં થયેલા કુલ મતદાનને 6 વડે ભાગવામાં આવે છે. જો કોઈ ઉમેદવારને આ છઠ્ઠા ભાગ જેટલા મતો ન મળે, તો તેની ડિપોઝીટ જપ્ત કરી લેવામાં આવે છે. આર્થિક રીતે ભલે આ રકમ મોટી ન હોય, પરંતુ રાજકીય રીતે ડિપોઝીટ જવી તે ઉમેદવારની શાખ માટે મોટો ફટકો માનવામાં આવે છે. ગ્રામ્ય કે શહેરના વિસ્તારોમાં "તમારી તો ડિપોઝીટ પણ ગઈ" તેવા મેણા ઉમેદવારની પ્રતિષ્ઠામાં મોટો ઘટાડો કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં પણ 38 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી, જેની સરખામણીએ આ વખતે આ આંકડો 37 રહ્યો છે. ચૂંટણીમાં અનેક અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષના નેતાઓ ભારે ઉત્સાહ સાથે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ પરિણામોએ સાબિત કરી દીધું છે કે જનતાએ માત્ર મુખ્ય પક્ષો પર જ પસંદગી ઉતારી છે. હારનારા ઉમેદવારો હવે આ પરાજય પાછળના કારણો શોધી રહ્યા છે, પરંતુ ડિપોઝીટ ગુમાવવાનો ડાઘ લાંબો સમય સુધી પીછો છોડશે નહીં.
હાલમાં સુરેન્દ્રનગરના રાજકારણમાં આ 37 ઉમેદવારો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ, વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોમાં હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પ્રતિષ્ઠિત પદ મેળવવા માટેની સ્પર્ધા તેજ બની છે. શાસક પક્ષ માટે જીતનો ઉત્સાહ છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં ઉમેદવારોની ડિપોઝીટ જવી તે લોકશાહીમાં મતદારોની જાગૃતતા અને નિર્ણાયક વલણનો સંકેત આપી રહ્યું છે.