બુકે નહિ બુક આપો: સાહિત્યના દરિયામાં ડૂબવાથી જ તરી શકાય
- સ્ક્રીન ટાઈમે વાંચનનો રસ ખતમ કર્યો, મનની તંદુરસ્તી માટે સારા પુસ્તકોનો સાત્વિક ખોરાક અનિવાર્ય
- સાક્ષર હોવા છતાં જેઓ વાંચતા નથી તેઓ પણ એક પ્રકારના નિરક્ષર જ છે
- વિચારોની આવક ઓછી હોય ત્યાં શબ્દોનો બગાડ વધુ, વાંચન માટે ફુરસદ કાઢવી જરૂરી
સિટી ન્યુઝ @ રાજકોટ
શરીરને ટકવા માટે જે રીતે હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તેવી જ રીતે મનની તંદુરસ્તી માટે સારા વિચારો રૂપી સાત્વિક ખોરાકની આવશ્યકતા છે. આજના સમયમાં માણસ રોજ હજારો વિચારો મગજમાં ગ્રહણ કરે છે, પરંતુ સ્ક્રીન ટાઈમના સતત વધતા અતિરેકને કારણે લોકોનો પુસ્તકો પ્રત્યેનો રસ ખતમ થઈ રહ્યો છે. દુનિયામાં ભલે નિરક્ષરોની સંખ્યા ઘટી રહી હોવાના દાવા થતા હોય, પરંતુ જે લોકો વાંચી શકતા હોવા છતાં કશું વાંચતા જ નથી, તેઓ પણ એક પ્રકારના નિરક્ષર જ ગણાય છે.
મનને સતત તાજું રાખવા માટે સારું પુસ્તક એક અત્યંત સક્ષમ પ્લેટફોર્મ છે, જે સંકટ સમયની સાંકળ અને ખરા સમયની દવાની ગરજ સારે છે. જે ઘરમાં વાંચનનું વાતાવરણ નથી, ત્યાં વ્યક્તિનું ઘડતર હંમેશા નબળું પડે છે. જાણીતા લેખક ગુણવંત શાહે એકદમ સચોટ વાત કરી છે કે જેમના ઘરે 5 સારાં પુસ્તકો ન હોય ત્યાં દીકરી આપવામાં જોખમ છે, અને એવા ઘરની દીકરી લાવવામાં પણ મોટું જોખમ છે. મનને પ્રસન્ન બનાવવા અને બુદ્ધિને સમૃદ્ધ કરવા માટે સદવાંચન અત્યંત જરૂરી છે.
જ્યાં વિચારોની આવક ઓછી હોય ત્યાં હંમેશા શબ્દોનો બગાડ વધારે જ થવાનો. આથી ઘરમાં પુસ્તકો વાંચવાનો અને તેને વસાવવાનો ટ્રેન્ડ ઊભો કરવો આજના સમયની તાતી જરૂરિયાત છે. સામાજિક પ્રસંગોમાં કે પરણીને સાસરે જતી દીકરીને આણામાં ઓછામાં ઓછા 10 સારા પુસ્તકો ભેટમાં આપવા જોઈએ. આપણે ત્યાં વારે-તહેવારે ફ્લાવર બુકે આપવાની એક પ્રથા ચાલી રહી છે, પરંતુ હવે તેને બદલીને 'બુકે નહીં પણ બુક આપો' તેવો નવો, અર્થસભર અને ક્યારેય ન કરમાય તેવો વિચાર સમાજે અપનાવવો જોઈએ.
મનનો સાત્વિક ખોરાક
વાંચન માટે જેના ઘરમાં એક પણ પુસ્તક નથી તે સાચી દરિદ્રતા છે અને જેની પાસે વાંચવા માટે ફુરસદ નથી તે માણસ સૌથી વધુ દયાપાત્ર છે. આ દુનિયામાં સારું સાહિત્ય જ એકમાત્ર એવો દરિયો છે જેમાં ડૂબવાથી તરી શકાય છે. શરીરની જેમ મનને પણ રોજિંદા હાઇજીનિક ખોરાકની જરૂર રહે છે. સારા પુસ્તકો જીવનમાં વહેલી પ્રભાતના ઝાકળ સમાન બનીને નવી ઉર્જાનો સંચાર કરે છે.