Loading Please Wait !!!
બાલાજી હનુમાનજી મંદિરે 20 જૂને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ

 

  • » ડિવાઈન ફિઝિયોથેરાપી અને સારથિ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજન

  • » નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ રોગોની મફત તપાસ અને માર્ગદર્શન અપાશે

  • » કેમ્પમાં રાહત દરે બ્લડ રિપોર્ટ, દવાઓ અને રક્તદાનની ખાસ સુવિધા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિર ખાતે આગામી ૨૦ જૂન ૨૦૨૬, શનિવારના રોજ એક વિશાળ નિઃશુલ્ક તબીબી તપાસ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડિવાઈન ફિઝિયોથેરાપી અને સારથિ હોસ્પિટલના સહયોગથી આયોજિત આ મેગા કેમ્પ સાંજે ૫ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે નિષ્ણાત તબીબોની સચોટ સારવાર અને માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી આ સ્વાસ્થ્યલક્ષી આયોજન કરાયું છે.

આ મેગા કેમ્પમાં શહેરના ખ્યાતનામ તબીબો દર્દીઓની ઝીણવટભરી તપાસ કરશે. જેમાં ફિઝિયોથેરાપિસ્ટ ડો. કિર્તન પટેલ અને ઓર્થોપેડિક સર્જન ડો. વિકી પેથાપરા દ્વારા ક્રોનિક પીઠ-ગરદનનો દુખાવો, સાંધા-સ્નાયુના રોગો, પેરાલિસિસ રિહેબિલિટેશન અને ફ્રોઝન શોલ્ડરની સારવાર કરાશે. એમ. ડી. ફિઝિશિયન ડો. મિલન ઘોણિયા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક અને વિવિધ તાવની તપાસ કરશે.

ડેન્ટિસ્ટ ડો. આશિષ મકવાણા દાંત અને પેઢાના રોગો, રૂટ કેનાલ અને વાંકા-ચૂકા દાંતની સારવાર આપશે. જ્યારે એમ. ડી. ચેસ્ટ ફિઝિશિયન ડો. એસ. એસ. ડાભી શ્વાસની તકલીફ, ફેફસાના રોગો, ઊંઘમાં નસકોરાની બીમારી અને ઉધરસની સચોટ તપાસ કરી માર્ગદર્શન પૂરું પાડશે.

દર્દીઓ માટે કેમ્પમાં પગના પંજામાં છુપાયેલા જોખમોને ઓળખવા ખાસ આધુનિક ફૂટ સ્કેનિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ સાથે જ રાહત દરે બ્લડ રિપોર્ટ અને મેડિકલમાં રાહત દરે દવાઓ પણ પૂરી પાડવામાં આવશે. બીમારીની તપાસની સાથે 'રક્તદાન કરો, જીવન બચાવો' ના ઉમદા મંત્ર સાથે મહા રક્તદાન કેમ્પ પણ યોજાશે.

આયોજકો દ્વારા દર્દીઓને અનુરોધ કરાયો છે કે કેમ્પમાં આવતી વખતે તેઓએ પોતાના અગાઉના તમામ મેડિકલ રિપોર્ટ્સ સાથે લઈને આવવા. કેમ્પનો લાભ લેવા અને રજીસ્ટ્રેશન માટે ૮૧૬૦૪ ૭૨૬૧૮ નંબર પર સંપર્ક કરવા જાહેર અપીલ કરવામાં આવી છે.