Loading Please Wait !!!
શહેર ભાજપ કાર્યાલયે મહાપાલિકાની મળતી સંકલન બંધ!

30 વર્ષમાં પહેલીવાર પ્રથા બંધ; હવે પાલિકામાં ચૂંટાયેલી પાંખનું જ સંકલન

વિકાસ કામોમાં ભાજપ સંગઠન આડી નહીં ઉતરે : લગામ કસાઈ

અગાઉ સંગઠનના હોદ્દેદારોએ શું કર્યુ તેનો રિપોર્ટ પણ તૈયાર કરાશે ?

સિટી ન્યૂઝ@રાજકોટ

પાલિકાના વિકાસનાં કામોને મંજૂરી આપવામાં આંતરિક ખેંચતાણ અને જૂથબંધીની ફરિયાદો વચ્ચે પ્રદેશ ભાજપ સંગઠને આકરો નિર્ણય કર્યો છે. પ્રદેશ સંગઠને સ્પષ્ટ સૂચના આપી કે, શહેરના વિકાસમાં ભાજપ સંગઠન ચંચુપાત નહીં કરે. પાલિકાના વહીવટથી તદ્દન દૂર રહેવા પ્રદેશે શહેર સંગઠનને કડક તાકીદ કરી છે નવા આદેશ મુજબ સ્થાયી સમિતિ કે સભા પૂર્વે ભાજપ કાર્યાલયમાં મળતી સંકલન બેઠક હવેથી નહીં મળે.

અત્યાર સુધી એવી વ્યવસ્થા હતી કે સ્થાયીની બેઠક અને સભા પૂર્વે ભાજપ કાર્યાલયમાં સંગઠનના હોદ્દેદારો સાથે પાલિકાના પદાધિકારીઓ અને કાઉન્સિલરોની બેઠક મળતી હતી, જેમાં નિર્ણયો થોપાતા હોવાની ચર્ચા ચાલી હતી. જોકે ગાંધીનગરમાં ૨ દિવસ પૂર્વે અન્ય પાલિકાના પદાધિકારીઓ અને સંગઠન સાથે રાજકોટની ટીમને ખાસ બોલાવી કડક સૂચના અપાઈ છે.

હવે વિકાસનાં કામો પર નિર્ણય લેવાની તમામ સત્તા પાલિકાના ૫ પદાધિકારી અને સ્થાયીના ૧૧ સભ્યોને સોંપાઈ છે. આ ૧૬ લોકો જ સ્થાયી અને સભાના એજન્ડા પર ચર્ચા કરશે. અગાઉના બોર્ડમાં ટાંટિયાં ખેંચ, જૂથબંધી, પોતાના વિસ્તારનાં કામો માટે જીદ કરવી અને બીજા વિસ્તારનાં કામોના વિરોધની પ્રથા પડી હતી, જેથી અનેક કામો અટવાયાં હતાં.

પાલિકામાં ૧૯૯૫માં ભાજપનું બોર્ડ બેઠું હતું ત્યારથી પ્રમુખની અધ્યક્ષતામાં કાર્યાલયે વિકાસનાં કામો અર્થે ચર્ચા કરાતી હતી. સૂત્રો મુજબ ૧૯૯૯થી ૨૦૦૦ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ સહિતની ટીમ પાલિકામાં આવી સંકલન કરતા હતા. જોકે હવે પછી આ પ્રણાલી બદલાઈ જશે. ૩૦ વર્ષ બાદ ભાજપ કાર્યાલયની સંકલન ભૂતકાળ બનશે.