Loading Please Wait !!!
મેયર, ડેપ્યુટી મેયરના વોર્ડની દશા-દિશા બગડી!

વોર્ડ નં. 9

બ્લોક હટાવી ડામર રોડ ન બનાવતા રહીશોમાં રોષ

» એન્જિનિયરે ડીઝલની અછતનું બહાનું કાઢ્યું, ૪ કોર્પોરેટરો પણ કોઈ દાદ નથી આપતા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મનપાના વોર્ડ નંબર ૯ સ્થિત વૃંદાવન હાઉસિંગ કો. ઓપ. સોસાયટી (અવધ મેઈન રોડ) ના રહીશો તંત્રથી ત્રસ્ત છે. પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા મુજબ, અહીંના ૧૦૦ મીટર રસ્તા પર ૨ વર્ષથી પેવર બ્લોક હતા. પરંતુ, ૧ મહિના પહેલા ડામર રોડ બનાવવાના બહાને કોન્ટ્રાક્ટરે બ્લોક ઉખાડી લીધા હતા. એક મહિનો વીતવા છતાં કામગીરી શરૂ ન થતાં રહીશો હેરાન છે. રસ્તા પરથી બ્લોક કાઢી લેવાતા હાલ મોટા કાંકરાઓ ઉડી રહ્યા છે. જેથી ટુ-વ્હીલર ચાલકો વારંવાર સ્લિપ થતાં લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ બિસ્માર રસ્તાના કારણે સોસાયટીના ૨૦૦ પરિવારો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

૧૫ દિવસ પહેલા વોર્ડ એન્જિનિયર વિશાળ વાગડીયાને રજૂઆત કરતા તેમણે રસ્તા પર માત્ર રોલ ફેરવ્યો હતો. બાદમાં વોર્ડ એન્જિનિયર વી. સી. કારીયાએ "યુદ્ધના કારણે ડીઝલની અછત હોવાથી ડામર કામ અટક્યું છે" તેવો ઉડાઉ જવાબ આપી ફોન કાપી નાખ્યો હતો.

અધિકારીઓના આવા વર્તન બાદ રહીશોએ વોર્ડ ૯ ના ચારેય કોર્પોરેટરોને ૬ અને ૧૪ જૂને વોટ્સએપ પર રસ્તાના ફોટા અને વીડિયો મોકલ્યા હતા. આમ છતાં, આજદિન સુધી કોઈ કોર્પોરેટર કે અધિકારીએ સ્થળ મુલાકાત લીધી નથી. જો આ રસ્તા પર કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી રહીશોએ ચીમકી આપી છે.

વોર્ડ નં. 7

પ્રી-મોન્સૂન કામગીરીમાં શોમેનશીપ વધુ, કામગીરી ઓછી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને તંત્ર સામે દર વર્ષે સવાલો ઉઠે છે, આ વખતે નવા આવેલા મેયરશ્રીએ એક અઠવાડિયા પહેલા તમામ કોર્પોરેટરને પોતાના વિસ્તારમાં પ્રિ મોન્સૂન કામગીરી ઝડપથી થાય એ માટે લેસન આપ્યું હતું બીજા જ દિવસે બધા કોર્પોરેટરોએ ફોટો સેશન કર્યું પરંતુ હજુ સુધી વોકળા સાફ થયા નથી, બે દિવસ પહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફોટો સેશન થયું એક કોર્પોરેટરે પોતાના વોર્ડમાં કચરાના ન્યૂ સન્સ પોઇન્ટ કે વોકળા પાસે ફોટો પડાવ્યો ન હતો. જેથી જ કહી શકાય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સેવા કરવા નહીં ફક્ત શોમેનશીપ કરવા જ આવ્યા છે તેમ સામાજિક અગ્રણી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડિરેક્ટર રાજુ જુંજા એ જણાવ્યું હતું.