અમેરિકા-ઈરાન જંગ: ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો, 84 ડોલરને પાર
- હોર્મુઝની ખાડીમાં તણાવ વધતા વૈશ્વિક મોંઘવારીનું જોખમ, તેલ સંકટના એંધાણ
- ખાર્ગ આઈલેન્ડ ટાર્ગેટ બનતા તેલના ભાવમાં તોફાની તેજીની ભીતિ
- હોર્મુઝ સ્ટ્રેટમાં મિસાઈલ હુમલાથી સપ્લાય ચેઈન ખોરવાઈ, દુનિયાભરમાં ફફડાટ
સિટી ન્યુઝ @ બિઝનેસ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષની સીધી અને ગંભીર અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર વર્તાઈ રહી છે. હોર્મુઝની ખાડીમાં વધી રહેલા મિસાઈલ હુમલા અને સૈન્ય તણાવના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ મંગળવારે ઉછળીને 84.44 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે યુએસ ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ 80 ડોલરને પાર કરી ગયું છે. વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે જો આ સંઘર્ષ લાંબો ખેંચાશે, તો ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર 120 ડોલર પ્રતિ બેરલને પણ વટાવી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ, જે વિશ્વની કુલ તેલ અને ગેસ જરૂરિયાતનો આશરે 20 ટકા હિસ્સો પૂરો પાડે છે, તે આ યુદ્ધનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની વાટાઘાટો ફગાવી દીધી છે, જેનાથી તણાવ વધુ ઘેરો બન્યો છે. ખાસ કરીને ઈરાનની તેલ નિકાસની જીવાદોરી સમાન 'ખાર્ગ આઈલેન્ડ' ટર્મિનલને અમેરિકી હુમલાના જોખમે તેલના ભાવમાં મોટો વિસ્ફોટ થવાની શક્યતા છે.
યુદ્ધ હવે માત્ર બે દેશો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન અને બહેરીન જેવા દેશોમાં પણ સૈન્ય કાર્યવાહી તેજ બની છે. ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો અને ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા મિસાઈલ હુમલાઓએ અખાતી વિસ્તારને જંગની આગમાં હોમી દીધો છે. આ સ્થિતિના કારણે ભારત સહિતના તેલ આયાત કરતા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવાની અને વૈશ્વિક મોંઘવારીનો મોટો ખતરો ઊભો થયો છે.