Loading Please Wait !!!
મોરબીના ઉદ્યોગોમાં શ્રમિકોનું લોહી ઉકળ્યું: 12 કલાકની વૈતરૂ છતાં વેતન અને સુરક્ષાના નામે મીંડું

  • ભારતીય મઝદુર સંઘે કલેક્ટર મારફત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદનપત્ર; શોષણ અટકાવવા બુંગિયો ફૂંક્યો.
  • શ્રમ કાયદાના લીરેલીરા: PF, બોનસ અને ગ્રેચ્યુટીના નિયમો માત્ર કાગળ પર; મનસ્વી રીતે નોકરીમાંથી કાઢી મુકાતા કામદારો.
  • પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ; સુરક્ષા ઉપકરણો વગર જોખમમાં કામ કરતા લાખો મજૂરો.

સિટી ન્યુઝ @ મોરબી : મોરબીના ઉદ્યોગોનો વિકાસ આજે દેશની સીમાઓ વટાવીને વિશ્વસ્તરે પહોંચ્યો છે, જેની પાછળ લાખો શ્રમિકોની દિવસ-રાતની સખત મહેનત રહેલી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિકાસના પાયામાં રહેલા શ્રમિકોના હિતોની જ ઘોર અવગણના કરવામાં આવી રહી છે. ઔદ્યોગિક એકમોમાં શ્રમ કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ભારતીય મઝદુર સંઘ, મોરબી દ્વારા જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

મઝદુર સંઘના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મોટાભાગના કારખાનાઓમાં 8 કલાકના કાયદેસરના નિયમ સામે શ્રમિકો પાસે 12-12 કલાક કામ કરાવવામાં આવે છે. આટલી સખત મજૂરી છતાં તેમને પૂરતું વેતન કે અન્ય કાયદેસરના હક્કો મળતા નથી. ઉદ્યોગ માલિકો પોતાની મનમાની ચલાવીને ગમે ત્યારે કોઈ પણ નોટિસ વગર કામદારોને નોકરીમાંથી કાઢી મૂકે છે. આ રીતે શ્રમિકોનું રીતસર શારીરિક અને આર્થિક શોષણ થઈ રહ્યું છે.

આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, PF (પ્રોવિડન્ટ ફંડ), ESIC, બોનસ અને ગ્રેજ્યુટી જેવા પાયાના કાયદાઓનો અમલ કરવામાં આવતો નથી. એટલું જ નહીં, કામના સ્થળે પીવાનું શુદ્ધ પાણી કે સુરક્ષા માટેના પ્રાથમિક સાધનો જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. નાના-મોટા અકસ્માતમાં મજૂરોના મોત થવાના બનાવો છતાં ઔદ્યોગિક સલામતીના નિયમોનું ચુસ્ત પાલન થતું નથી.

મઝદુર સંઘની મુખ્ય 6 માંગણીઓ:

  1. શ્રમ વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરીને વહીવટ ઝડપી બનાવવો.

  2. શ્રમિકોના કલ્યાણ માટેની સમિતિઓનું પુનર્ગઠન કરી તેમને સક્રિય કરવી.

  3. 'સમાન કામ માટે સમાન વેતન' ની નીતિનો અમલ કરાવવો.

  4. લઘુત્તમ વેતન, PF, બોનસ અને ગ્રેજ્યુટીની ચૂકવણી ફરજિયાત બનાવવી.

  5. ઓવરટાઇમની મજૂરી ડબલ દરે ચૂકવવી.

  6. કામદારોની સુરક્ષા માટેના કાયદાઓનો માલિકો પાસેથી ચુસ્તપણે અમલ કરાવવો.

ભારતીય મઝદુર સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો આ ન્યાયી માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો શ્રમિકોના હિત માટે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મોરબીના આર્થિક વિકાસમાં સિંહફાળો આપતા શ્રમિકોને તેમનો વાજબી હક્ક મળે તે માટે સરકારી તંત્ર કડક પગલાં ભરે તેવી અપીલ કરવામાં આવી છે.